મધ્યપ્રદેશમાં દોઢ મહિનામાં બીજી વખત મંગળવારે જ અમંગલ ઘટના: ગત 16મી ફેબ્રુઆરીએ સીધી ખાતે નાળામાં બસ ખાબકતા 45 લોકો મોતને ભેટ્યા હતા
કાળનો કોળિયો: બે રિક્ષામાંથી એક ખોટવાતા તમામ મહિલાઓ એક રિક્ષામાં સવાર થયા
હાલના સમયે માર્ગ અકસ્માતના બનાવો ખૂબ વધતા જઈ રહ્યા છે. બેફામ ડ્રાઈવિંગ તો ટ્રાફિક નિયમોના પાલનના અભાવે દેશમાં દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવે છે. ત્યારે આજરોજ સવારે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક ભીષણ માર્ગ અકસ્માત થયો છે. બસ અને ઓટો રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર થતાં 13 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલાઓમાં 12 મહિલા છે જ્યારે એક રીક્ષા ચાલક છે. આ તમામ મહિલાઓ આંગણવાડી સેવિકા હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ગ્વાલિયર શહેરના પુરાની છાવની વિસ્તારમાં બની છે. મંગળવાર મધ્યપ્રદેશ માટે ’અમંગલ’ સાબિય થયો છે. અકસ્માત અને મંગળવાર વચ્ચે જાણે કોઈ કડી રચાઈ ગઈ હોય તેમ ગમખ્વાર અકસ્માત મંગળવારના રોજ જ થઈ રહ્યા છે. ગત 16 ફેબ્રુઆરીએ મંગળવારના રોજ પણ મધ્યપ્રદેશમાં આવી દુર્ઘટના ઘટી હતી. જેમાં સીધી જિલ્લામાં મુસાફરોને લઈ જતી બસ કેનાલમાં ખાબકી હતી. આ ઘટનામાં 45 લોકો મૃત્યુ પામ્યા હતા. દોઢ મહિનામાં બીજી વખત મધ્યપ્રદેશ માટે મંગળવાર “અમંગલ” સાબિત થયો છે.આજરોજ બનેલી આ દુર્ઘટનાની પુષ્ટિ એડિશનલ એસપીએ પન કરી છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ મૃતકોના પરિવારજનોને માટે 4 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ઘટનાને લઈ કહ્યું છે કે, ગ્વાલિયરમાં બસ અને ઓટો વચ્ચે થયેલા અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવવા પર દુ:ખ વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર તરફથી પ્રત્યેક મૃતકના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા સહાયતા રકમ આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર, બસ ગ્વાલિયરથી મુરૈના તરફ જઇ રહી હતી. તમામ મહિલાઓ 2 ઑટો રીક્ષામાં હતી પરંતુ એક ઑટો રીક્ષા અધ્ધવચ્ચે ખરાબ થઈ જતા તમામ મહિલાઓ બીજી ઑટોમાં સવાર થઇ ગઇ હતી, એટલા માટે જ મૃત્યુઆંક વધુ નોંધાયો છે. આ તમામ મૃતક મહિલાઓ આંગણ વાડી કાર્યકર્તાઓ હતી. આંગણ વાડીમાં બાળકો માટે ભોજન બનાવતી હતી. આ તમામે પોતાનું કામ પૂરું કરી બે ઓટો રિક્ષાથી ઘરે પરત ફરી રહી હતી, પરંતુ ઘરે પહોંચે એ પહેલાં જ કાળનો કોળિયો બની ગઈ. એક ઓટો રસ્તામાં જ બંધ થઈ જતા બધા એક રીક્ષામાં બેઠા અને અકસ્માત નડ્યો.