ચાલુ વર્ષે આકરો ઉનાળો પડે અને ગરમી સતત વધે તેવા એધાણ અત્યારથી જ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડશે તે નિશ્ચિત છે. આ ઉપરાંત ગીર-સોમનાથ, તાપી અને નર્મદામાં માવઠાની સંભાવના વચ્ચે આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન 22.7 જ્યારે મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 79 ટકા અને 9 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
સવારથી જ વાદળછાયુ વાતાવરણ અને આછી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો હતો. જો કે 10 વાગ્યા બાદ લોકોએ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. બપોરબાદ તો અસહય તડકો પડતા લોકોએ ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લીધો હતો. ડબલ ઋતુનો અનુભવ થતા લોકો નાનીમોટી બીમારીનો પણ ભોગ બની રહ્યા છે. ત્યારે ગીર-સોમનાથમાં કમોસમી માવઠાની આગાહી વચ્ચે આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ ભારે તડકો જોવા મળ્યો હતો.
કચ્છના દુધઈમાં 1.8ની તિવ્રતાનો આંચકો
કરછમાં ભૂકંપના આચકનું પ્રમાણ યથાવત છે ત્યારે મોડી રાતે 1:12 કલાકે કચ્છના દુધઈથી 21 કિમી દૂર 1.8ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. વારંવાર આવતા આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે આજે આવેલા આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.