દેશભરમાં આજથી વરસાદ જ્યાં, જ્યારે થાય ત્યાં એક-એક ટીપાનું સંચય કરવાનું મહા અભિયાન

પ્રધાનમંત્રી જલશક્તિ અભિયાનનો 22 માર્ચથી પ્રારંભ: જળ સંરક્ષણ માટે ગ્રામ સભાઓમાં લેવાશે જલ શપથ

‘જળ એ જ જીવન’, આજે વિશ્ર્વ જલ દિવસની ઉજવણીના માહોલમાં પૃથ્વી પરના હયાત પાણીના જથ્થાને સાચવીને વાપરવાના વિચાર-વિમર્શ થઈ રહ્યાં છે. પાણી બનતું નથી. તેને સાચવવું જરૂરી છે. વિશ્ર્વના પાણીના કુલ જથ્થાના જુજ ટકા જ પિવાલાયક છે ત્યારે વર્તમાન પેઢી માટે ભવિષ્યની ચિંતા કરીને પાણીના એક-એક બુંદની જતનની જવાબદારી નિભાવવાની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે આજે વિશ્ર્વ જલ દિવસ પર વીડિયો કોન્ફરન્સ મારફત જલ શક્તિ અભિયાન કેચ ધ રેન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય  જલ શક્તિ મંત્રી, મધ્યપ્રદેશ-ઉતરપ્રદેશના મુખ્યમંત્રીઓ વચ્ચે કેન્દ્ર બેતવા લીન્ક પ્રોજેકટ માટે એમઓ પર હસ્તાક્ષર થયા. આ પ્રોજેકટ દેશભરની નદીઓના આંતર જોડાણ માટેનો રાષ્ટ્રીય પ્રથમ પ્રોજેકટ તરીકે આકાર લેશે.

‘કેચ ધ રેન’ પ્રોજેકટ : દેશભરના ગ્રામીણ અને શહેરી વિસ્તારના આ પ્રોજેકટમાં વરસાદ જ્યાં, જ્યારે પડે તેના એક-એક ટીપાનું સંચય કરવા માટેનું 22 માર્ચ 2021થી 30 નવેમ્બર 2021થી અભિયાન હાથ ધરવામાં આવશે. ચોમાસા પૂર્વેથી લઈ ચોમાસા દરમિયાન જન આંદોલનરૂપે જળ સંચયનું મહાઅભિયાન હાથ ધરવામાં આવશે. દરેક ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાઓનું આયોજન અને જળ સંરક્ષણ માટે જળ શપથ પણ લેવાશે. જો કે જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં આ કાર્યક્રમ નહીં યોજાય.

કેન બેતવા સમજૂતી કરાર: ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના નદીઓને એકબીજા સાથે જોડી અછતગ્રસ્ત વિસ્તારમાં પાણી પહોંચાડવાના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે આંતર રાજ્ય સંકલન કરીને ડેમ અને નદીઓને જોડતી નહેર લોઅર ઓર પ્રોજેકટ, દોધન ડેમ, કોઠા બરેજ, પરિયોજનાનું નિર્માણ કરીને કેન નદીમાંથી બેતવા નદીમાં પાણી હસ્તાંતરીત કરવામાં આવશે અને વર્ષે 10.62 લાખ હેકટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે અને 62 લાખ લોકોની તરસ છીપશે. સાથે સાથે 103 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. આ પ્રોજેકટથી બુંદેલ ખંડના નપાણીયા વિસ્તાર, ખાસ કરીને મધ્યપ્રદેશના પન્ના, તિકમગઢ, છતરપુર, સાગરદામો, દાંતિયા, વિદેશા, શિવપુરી, રાયસેન, ઉત્તરપ્રદેશના બાંદા, મહોદા, ઝાંસીને લાભ થશે. આ પ્રોજેકટને નદીઓના આંતર જોડાણનો માર્ગ મોકળો થશે જેથી પાણીની ખેંચ દેશના વિકાસમાં અવરોધરૂપ ન બને.

કૃષિ પ્રધાન ગણાતા ભારતની ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારિત હોય દાયકામાં 2 થી 3 વાર અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે નદીઓના આંતરીક જોડાણ અનેખાસ કરીને વરસાદી પાણીના વ્યયને અટકાવવાથી જળક્રાંતિની સાથે સાથે કૃષિ ક્રાંતિ પણ આવશે. ગુજરાતમાં જ રણ અને દરિયાકાંઠે ચોમાસાનું મીઠુ પાણી દરિયામાં વહી જતુ અટકાવીને જલ ક્રાંતિનું સરકારનું આયોજન ગતિમાં છે ત્યારે દેશ માટે આજે વિશ્ર્વ જલ દિવસની ઉજવણીને વધુ અસરકારક બનાવતી વડાપ્રધાનના જલ શક્તિ અભિયાન કેચ ધ રેન દેશ માટે આશિર્વાદ રૂપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.