સુરક્ષા દળોએ શોપિયના મુનિહલમાં કેટલાક આતંકવાદીઓને છુપાયા હોવાના અહેવાલ મળતા. શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
જમ્મુ-કાશ્મીરના શોપિયનના મુનિહાલમાં સોમવારે સવારે સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જેમની ઓળખ હજી થઈ નથી. એવું મનાઈ રહ્યું છે કે, આ વિસ્તારમાં હજુ વધુ બે આતંકીઓ છુપાયેલા છે. જેમની શોધખોળ હજી ચાલુ છે.
સુરક્ષા દળને મળેલી માહિતી મુજબ શોપિયામાં આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ મળ્યા હતા. જેના આધારે સેનાએ વિસ્તારમાં ઘેરાવ કરતા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં કુલ 3 આતંકીઓને ઠાર મરાયા છે જ્યારે વધુ 2 આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સીઆરપીએફના ડી.જી. કુલદીપસિંહના જણાવ્યા અનુસાર, જમ્મુ કશ્મીરમાં રાજ્ય પોલીસ અને સેનાના સમન્વયમાં કામ કરતી સીઆરપીએફ દ્વારા અવાર નવાર ઓપરેશન હસ્થ ધરવામાં આવે છે. વર્ષ 2020માં કુલ 215 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા જ્યારે ચાલુ વર્ષે કુલ 11 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. કાશ્મીરની ઘાટીમાં 90% સુધી પથ્થરમારાની ઘટનામાં ઘટાડો નોંધાયો છે.
ગત અઠવાડિયે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સજ્જાદ અફઘાનિની રાવરપોરામાં ઠાર મરાયો હતો ત્રણ દિવસ સુધી ચાલેલા આ એન્કાઉન્ટરમાં સજ્જાદ સિવાય અન્ય એક આતંકી માર્યો ગયો હતો. સજ્જાદ આતંકવાદી સંગઠનો માટે યુવાનોની ભરતી કરવામાં સામેલ હતો.
ગયા રવિવારે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા જહાંગીર અહેમદ વાની તરીકે થઈ હતી. તે શોપિયનની રાખ-નારાપોરાનો રહેવાસી હતો. ગત વર્ષે સપ્ટેમ્બરથી જહાંગીર સક્રિય હતો. એન્કાઉન્ટર સ્થળેથી અમેરિકન કાર્બાઇન રાઇફલ એમ-4 મળી આવી હતી. આ રાઇફલનો ઉપયોગ યુએસ આર્મી દ્વારા પણ કરવામાં આવે છે.
અગાઉ બારામુલ્લામાં 13 માર્ચે આતંકવાદીઓએ પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ઉત્તર કાશ્મીરમાં સોપોર બસ સ્ટેન્ડ નજીક થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓનું નિશાન ચૂકી ગયું હતું. આ હુમલામાં બે પોલીસ જવાન ઘાયલ થયા છે.
11 માર્ચે અનંતનાગમાં 18 કલાકની એન્કાઉન્ટરમાં બે જૈશ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એકે-47 રાઇફલ, પિસ્તોલ, ગ્રેનેડ અને ગોળીઓ મળી આવી હતી. જ્યારે 9 માર્ચે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં આતંકવાદી સંગઠન અલ-બદ્રના વડા અબ્દુલ ગની ખ્વાજાને પણ ઠાર કરાયો હતો.