કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્ર્વિક મહામારીથી વિશ્ર્વ આખુ હતપ્રત થઈ ગયું છે. કોરોના વાયરસ આવ્યાને એક વર્ષ કરતા વધુ સમય વીતિ ગયો છે. ત્યારે આ વૈશ્ર્વિક મહામારી વિરૂધ્ધની ‘અસલ’ લડાઈ ભારતમાં આજથી જ શરૂ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી 22 માર્ચ, 2020ને રવિવારના દિવસે દેશભરમાં જનતા કફર્યું પાળવામાં આવ્યો હતો. લોકો સ્વૈચ્છાએ પોતાના ઘરમાં ‘કેદ’ થયા હતા. લોકડાઉનનાં ટ્રાયલ કહેવાતા આ જનતા કફર્યુંએ વાતના અણસાર આપી દીધા હતા કે કોરોના વાયરસથી બચવા ભારતવાસીઓને ઘણા દિવસો સુધી ઘરમાં જ રહેવું પડશે.

જોકે, આમ બન્યું પણ ખરા કોરોનાએ આપણને કેટલાક મહિના સુધી ઘરમાં ‘લોક’ કરી દીધા અને આ કપરાકાળમાંથી કોઈ ઉગારે તેવી દવા અને રસીની રાહમાં મૂકી દીધા પરંતુ આજ વિશ્ર્વભરમાં અલગ અલગ પ્રકારની ઘણી રસી ઉપલબ્ધ છે. ભારત પાસે પોતાની જ બે સ્વદેશી રસી છે. જેની વિશ્ર્વના તમામ દેશોમાં બોલબાલા થઈ રહી છે. પણ આજ એક વર્ષ બાદ પણ ‘કોરોના’ એક ચિંતાનો વિષય છે. હાલ, કેસ ફરી વધતા જઈ રહ્યા છે.

વર્ષ 2020માં આજના જ દિવસે દેશ સાંજે પાંચ વાગ્યાના ટકોરે થાળી, વાટકાના નાદથી ગુંજી ઉઠ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલથી કોરોના યોધ્ધાઓનું પાંચ મીનીટ સુધી થાળી-વાટકા, ટંકોરી વગાડી સન્માન કરાયું હતુ. આ દિવસે ઘણા લોકોએ ઘણા નુસંખાઓ પણ અપનાવેલા જેના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. બાળકોથી માંડી વયોવૃધ્ધોના થાળી, વાટકા સાથેના વીડિયો સામે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.