કાલાવડ રોડ પર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બ્રેઈન ડેડ થયેલા યુવાનના બે કીડની તથા લીવરનું અન્ય દર્દીઓને દાન કરી ત્રણને નવજીવન આપવામાં આવ્યું હતું. શહેરમાં અંગદાન અંગેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શાક માર્કેટ વિસ્તારમાં રહેતા એક આશાસ્પદ યુવાનને કાલાવડ ધોરીમાર્ગ પર વાહન અકસ્માત નડયા પછી તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો અને તેના માતા-પિતા તેમજ મંગેતર વગેરેની સહમતિથી યુવાનના એક લીવર તેમજ બે કિડની સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું છે. અને અમદાવાદની હોસ્પિટલમાં જ ત્રણ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દઈ ત્રણ વ્યક્તિઓને નવજીવન અપાયું છે.
જે યુવાનને મૃત જાહેર કરાયા પછી તેનો મૃતદેહ બપોરે જામનગર લાવવામાં આવ્યો હતો, અને તેની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મૃતકના પરિવારજનો સહિતના બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. મૃતકના પરિવારજનોના આ નિર્ણયને લઈને સર્વે જ્ઞાતિજનો તેમજ અગ્રણીઓએ આ અતિ મહત્ત્વના નિર્ણયને વધાવી લીધો હતો. શાકમાર્કેટ નજીક ધનબાઈના ડેલા પાસે ચારણ ફળીમાં રહેતો અને જુના રેલવે સ્ટેશન પાસે આવેલા એક પેટ્રોલપંપમાં થોડા સમય પહેલાં ફીલર તરીકે નોકરી કરતો લખન દિનેશભાઇ પરમાર નામનો 27 વર્ષનો ખવાસ જ્ઞાતિ નો યુવાન ગત 25મી ફેબ્રુઆરીના દિવસે પોતાના મામાના દીકરા કરણ ચૌહાણ (ઉ.વર્ષ. 23) સાથે રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં કાલાવડના નિકાવા નજીક આવેલા રાણા મામાના ધાર્મિક સ્થળે દર્શન કરવા માટે નીકળ્યો હતો અને પોતે એકટીવા ચલાવતો હતો. અને કરણ ચૌહાણ પાછળ બેઠો હતો.
જેઓનું એક્ટીવા સ્કુટર વિજરખી ડેમની ગોળાઈ નજીક પહોંચતાં માર્ગમાં ખાડો આવવાના કારણે અકસ્માતે એકટીવા ખાડામાં ખાબકયું હતું અને આગલી બ્રેક લાગી જતાં પોતે સ્કૂટર પરથી ઊછળીને ઉંધામાથે જમીન પર પડ્યો હતો. જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેનું માથું ફાટ્યું ન હતું પરંતુ હેડ ઈન્જરીના કારણે હેમરેજ થવાથી માથામાં લોહીના ગઠ્ઠા બની ગયા હતા. પાછળ બેઠેલા કરણ ચૌહાણને સામાન્ય ઈજા થઈ હતી. આ બનાવ પછી 108ની ટીમને જાણ કરાતાં સવા દસેક વાગ્યાના અરસામાં 108ની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં લખનની હાલત ધીમે ધીમે બગડતી જતી હતી. તેને તાત્કાલિક અસરથી હાયર સેન્ટરમાં લઇ જવા માટેનું કહેતા સૌપ્રથમ જામનગરના ખાનગી ન્યુરોસર્જન પાસે જવાનું વિચાર્યું હતું.જયાં પહોંચ્યા ત્યારે યુવાનની હાલત અતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ અથવા તો અમદાવાદ જવાનું કહેવામાં આવ્યું હતું. જેથી લખન પરમારને એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ 25મીની મોડી રાત્રે રાજકોટ લઇ જવાયો હતો. જ્યાંથી લખન પરમારને ઈજાગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ લઈ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઇ હતી.