સામાજીક સશક્તિકરણ માટે હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલી અનામત પ્રથાની દર દશ વર્ષે સમીક્ષા કરવાની જોગવાઈ કોઈએ ધ્યાને લીધી નથી
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં સામાજિક સમરસતા અને વિવિધતામાં એકતાના મુદ્રાલેખ સાથે સંવિધાન સમાજના દરેક વર્ગને એક સમાન દરજ્જો મળે તે માટે ખાસ હિમાયત કરી રહ્યું છે ત્યારે આઝાદીકાળમાં દેશમાં પ્રવર્તી રહેલી આર્થિક અસમાનતા સામાજીક પછાતપણાને દૂર કરવા માટે પછાત વર્ગને અનામત પ્રથાના માધ્યમથી વિકાસની તક આપવાના હેતુથી પ્રાયોગીક ધોરણે 10 વર્ષની મુદત મર્યાદામાં અનામત પ્રથા દાખલ કરીને 10 વર્ષ પછી તેની સમીક્ષા કરી સામાજીક વિકાસ અને જરૂરીયાત મુજબ અનામતને કાયમી નહીં પરંતુ હંગામી ધોરણે સમીક્ષાત્મક રીતે તેનું સમયાંતરે મુલ્યાંકન કરીને અનામત પ્રથા હંગામી ધોરણે અપનાવી તેને નિશ્ર્ચિત સમય બાદ બંધ કરવાની જોગવાઈઓ હતી. રિઝર્વેશનથી લાભાર્થીની તાકાત વધતી નથી, નબળાઈઓ આવે છે. લાઠીની જરૂર અપાઈ જ ને જ પડે છે, સશક્ત બનનારને ક્યારેય સહારાની જરૂર પડતી નથી. અનામત પ્રથા દેશમાં લાગુ થઈ ત્યારે દર દશ વર્ષે તેની સમીક્ષા કરી તેના લાભ સીમીત કરવાની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં ક્યારેય અનામતની સમીક્ષા કરવામાં આવી નથી અને અનામત ઘટાડવાની કોઈએ હિંમત કરી નથી. રાજકારણમાં લાભ ખાટવા માટે દેશ માટે ભારે પેચીદા બનનારા આ પ્રશ્ર્નમાં કોઈએ ક્યારેય વિચાર્યું જ નથી.
અનામત પ્રથાના અમલને દશ વર્ષે બાદ મુલ્યાંકન કરીને અટકાવવાની હતી પરંતુ રાજકારણ અને મત બેંકના મોહમાં દેશ માટે અતિ મહત્વની જોગવાઈ પર ક્યારેય સમીક્ષા કરવામાં જ આવી નથી અને અનામત પ્રથાને સંવિધાનની મર્યાદા અને શરતી મુદતના અમલની હિમાયત હોવા છતાં અત્યારે કાયમી જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. વળી અનામત પ્રથામાં નિશ્ર્ચિત ટકાવારીની પણ હિમાયત કરવામાં આવી હોવા છતાં કટકે-કટકે ધીમીગતિએ સતતપણે વધારવામાં આવી રહેલી ટકાવારીથી અત્યારે અનામતની ટકાવારી 50 ટકા સુધી પહોંચી છે. ત્યારે અનામત પ્રથા હજુ કેટલી પેઢીઓને વેઠવી પડશે તેવી પરિસ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે, આ પ્રથાનો અંત ક્યારે આવશે.
સુપ્રીમ કોર્ટે સરકારને હિમાયત કરી છે કે, શિક્ષણ અને નોકરીમાં દાખલ અનામત પ્રથા હજુ દેશની કેટલીક પેઢીને વેઠવાની રહેશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે મરાઠાઓને અનામત ક્વોટા અંગેની સુનાવણીમાં જણાવ્યું છે કે, 50 ટકાની મર્યાદાને પણ હવે અનામત પાર કરી જાય તેવી પરિસ્થિતિમાં પાંચ ન્યાયમુર્તિની બંધારણીય બેંચના વડા ન્યાયમુર્તિ અશોક ભુષણે વરિષ્ઠ ધારાશાસ્ત્રી મુકુલ રોહતંગીને મંડલપંચ અને ક્વોટાની મર્યાદાની સુનાવણી દરમિયાન આ મુજબ જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, હવે 1931ની વસ્તી ગણતરી આધારિત મંડલપંચના અમાનત ક્વોટાની ભલામણની પરિસ્થિતિ હવે રાજ્ય ઉપર છોડી દેવી જોઈએ. કોર્ટમાં મહારાષ્ટ્રમાં મરાઠા અને રોહતંગીને અનામત ક્વોટામાં સમાવેશ કરવાના મંડલ પંચના ચુકાદા આધારે ઈન્દિરા સ્વેની કેસમાં કેન્દ્ર સરકારે 10 ટકા જેટલી અનામત, આર્થિક પછાત અને સામાજીક પછાત વર્ગને આપવાથી અનામતનો ક્વોટા 50 ટકા સુધી પહોંચી જવા પામ્યો છે.
અનામત પ્રથામાં 50 ટકા અનામત રાખવાની હિમાયત કરવામાં આવી છે પરંતુ હવે આ પ્રથામાં સતતપણે વધારો થતો જઈ રહ્યો છે ત્યારે તત્કાલીન સમયની જરૂરીયાતને લઈ શરૂ કરવામાં આવેલી અનામત પ્રથા હજુ કેટલી પેઢીઓ સુધી ચાલુ રાખવાની છે. ન્યાયમૂર્તિ એલ.નાગેશ્ર્વર રાવ, એસ.અબ્દુલ નઝીર, હેમંત ગુપ્તા અને એસ.રવિન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું. 1931ની વસ્તીના આધારે મંડલપંચની ભલામણથી શરૂ કરવામાં આવેલી અનામત પ્રથાની સ્થિતિ વચ્ચે આજે વસ્તીમાં અનેકગણો વધારો થઈ ગયો છે અને અત્યારે દેશની વસ્તી 135 કરોડ સુધી પહોંચી ગઈ છે. ખંડપીઠે જણાવ્યું હતું કે, આઝાદીના 70 વર્ષનો ગાળો વીતી ગયો છે. દેશના વિવિધ રાજ્યો અનેકવિધ સહાયકારી, લાભકારી યોજના ચલાવી રહી છે ત્યારે આપણે કેમ સ્વીકારતા નથી કે વિકાસ થયો છે અને કોઈ પછાત જાતિનો વિકાસ થયો નથી. સુપ્રીમે એવુ પણ જણાવ્યું હતું કે, જે લોકો પછાત વર્ગમાંથી બહાર નીકળ્યા હોય તેમને હવે સામાન્ય ગણવા જોઈએ. હા અમે વિકાસ તરફ આગળ વધી રહ્યાં છીએ. કોઈપણ પછાત વર્ગ 50 થી 20 ટકા સુધી નીચે ગયા નથી. દેશમાં હજુ ભુખમરાથી મૃત્યુ થઈ રહ્યાં છે. હું એમ નથી કહેતો કે ઈન્દ્ર સહાની ખોટા છે અને તેને કચરાપેટીમાં નાખી દેવા જોઈએ. પરંતુ 30 વર્ષથી આ મુદ્દો ચાલી રહ્યો છે. વસ્તી વધી રહી છે અને પછાત વર્ગ પણ વધી રહ્યો છે. સંસદમાં આ વાતની ચર્ચા થવી જોઈએ કે, 50 ટકાથી વધુ અનામત ન થવી જોઈએ.
જ્યારે ઘણા બધા રાજ્યોમાં અનામતની ટકાવારી 50 ટકા સુધી પહોંચી ગઈ છે ત્યારે આ મુદ્દાને હવે ફેર વિચારણામાં લેવો જોઈએ. ગુરુવારે સરકાર તરફથી એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે એપેક્ષ કોર્ટને જણાવ્યું હતું કે, બંધારણની કલમ 102માં સામાજીક અને આર્થિક પછાત વર્ગને લાભ આપવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. સંસદે પહેલીવાર આર્થિક પછાતપણાને ધ્યાને લઈ અનામત ક્વોટો વધાર્યો છે. સુપ્રીમ કોર્ટે અનામત પ્રથાની પુન: સમીક્ષા કેમ થતી નથી અને હવે ક્યાં સુધી દેશની પેઢીઓ અનામત પ્રથા વેઠશે તેવો સવાલ ઉઠાવ્યો હતો.