જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, એસપી બલરામ મિણા અને ડીડીઓ અનિલ રાણાવસિયા આ પાંચ અધિકારીઓની કાબીલેદાદ કામગીરી: તમામ વિભાગો સાથે સંકલન કરી આગવી સૂઝબૂઝથી ત્વરિત સુચારુ પગલાંઓ લેવાયા
તાત્કાલીક એક હજાર બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ’તી
લોક ડાઉન દરમ્યાન કેસોની નિયમિત સમીક્ષા કરી શહેરીની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સારવાર અને ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી
કોવિડ-19 ની વૈશ્વિક મહામારી સામે ગુજરાતની ધૈર્યવાન અને માત્ર વેપાર જ નહીં પણ વ્યવહાર કુશળ પ્રજાના સહિયારા પુરૂષાર્થે મહામારીના નકારાત્મક પરીણામોને અંકુશમાં રાખ્યા છે. વસુધૈવ કુંટુમ્બકમની ભાવનાને ચરિતાર્થ કરતા અનેક પ્રસંગો અને અનુભવો આ કોરોનાકાળ દરમિયાન જોવા મળ્યા છે, જિલ્લા વહીવટી તંત્રએ આરોગ્યલક્ષી આફત સમયે લોકોને માનસિક સધિયારો પૂરો પાડવામાં નેત્રદિપક ભાગ ભજવ્યો છે. આજે રાજકોટમાં કોરોનાના પ્રથમ કેસ નોંધાયાને એક વર્ષની અવધિ પુર્ણ થઇ છે. ત્યારે આ સમગ્ર વર્ષ દરમિયાન રાજય સરકાર, રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર અને સમાજ સેવી સંસ્થાઓ સહિત તમામ વિભાગો અને જાગૃત પ્રજાએ કોરોનાને અંકુશમાં લાવવા કરેલા ભગરીથ પ્રયત્નોની એક ઝાંખી જોઇએ. કોરોના મહામારી દરમિયાન લોકોની સારવાર સુચારૂ રૂપે થઇ શકે તે માટે મુખ્યમંત્રી
વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ અને કલેકટર રેમ્યા મોહનની દેખરેખ હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રાજકોટ સ્થિત સિવીલ હોસ્પીટલમાં ઓકસીજન અને વેન્ટીલેટર સહિતના આધુનીક સાધનોથી સજ્જ 562 બેડની કોવીડ-19 હોસ્પીટલની સુવિધા શરૂ કરાઇ હતી. એટલુંજ નહીં જરુરીયાત મુજબ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પીટલમાં વધુ 200 બેડની અને સમરસ હોસ્ટલ તથા અન્ય ખાનગી હોસ્પીટલોના સહયોગથી 1000થી વધુબેડની સધન સારવાર માટેની સુવીધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જોઈએ તો રાજકોટના ત્રિમંદિર મંદિરમાં 27 બેડની સુવિધા, ન્યારી પેલેસ હોટલ તરઘડીમાં 30 પથારી, સામુહિક આરોગ્ય કેન્દ્ર લોધીકા – 30, ગોંડલ સિવિલ હોસ્પિટલ – 25, સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો હોલ ખાતે25, મોટા ગુંદાળા પટેલ સમાજ – 24 જામકંડોરણા કુમાર છાત્રાલય-30, ધોરાજી સરકારી હોસ્પિટલ – 25 અને ઉપલેટા કડવા પટેલ સમાજની વાડીમાં 25 પથારીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. સમરસ હોસ્ટલ ખાતે ખાસ શરૂ કરાયેલી કોવીડ કેર સેન્ટરમાં 4300 થી વધુ લોકોને સારવાર તથા આઇસોલેશનમાં રાખવામાં આવેલ હતા. જયાં દર્દીઓને નિષ્કામ કર્મયોગને વરેલા સમર્પીત મેડીકલ – પેરામેડીકલ અને અન્ય સ્ટાફની સતત દેખરેખ હેઠળ ઉચ્ચ ગુણવત્તાયુકત તબીબી સારવાર, આયુર્વેદીક ઉકાળા, હોમીયોપેથીક દવાઓ સાથે પોષક આહાર, નાસ્તો, હેલ્ધી પીણા અને ફ્રુટ સહિતની તમામ સુવિધાઓ નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવાઇ હતી.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા વર્ચ્યૂઅલ વિજિટ લઇ સમયાંતરે રાજકોટ જિલ્લામાં વેન્ટીલેટર ઓકસીજન સહિતની તમામ સાધનો અને દવાઓના પુરતા પ્રમાણમાં જથ્થા અંગે સમિક્ષા કરાઇ હતી અને જરૂરીયાત મુજબના સાધનો અને દવાઓ અને ઇન્જેકશનો સહિતની તમામ આવશ્યક સેવાની સુવિધાઓ અવિરત પુરી પડાઇ હતી. મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમને મળી રહેલ સારવાર સંબંધે પૃચ્છા કરતાં દર્દીઓએ તેમને મળતી સારવાર બાબતે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
લોકોને સારવાર માટે હાલાકી ભોગવવી ન પડે તે માટે રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસ કોવીડ-19ની કામગીરી સંદર્ભે સારવાર આપતી ખાનગી હોસ્પીટલોમાં દાખલ થતાં દર્દીઓનું ખાનગી હોસ્પીટલોના સંચાલકો સાથે સંકલન કરવા માટે રાજકોટ શહેર-1 પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીની નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરી રાઉન્ડ ધી કલોક, 24 કલાક શીફટમાં કામગીરી બજાવનાર કંટ્રોલરૂમ તા. 3 સપ્ટેમ્બર થી કાર્યરત કરાયો હતો.
આ ઉપરાંત વનરાજભાઇ ગેરૈયા હોમીયોપેથીક હોસ્પીટલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલ તથા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય-આટકોટ જેવી સંસ્થાઓએ પણ આ આફત સમયે સંવેદનશીલ સહભાગિતા દાખવી હતી. જયાં ખાસ કોવીડ કેર સેન્ટર શરૂ કરી 795 જેટલા વિદેશથી પરત આવેલા પ્રવાસીઓને આઇસોલેશનમાં રાખી તેમને સઘન સારવાર અપાઇ હતી.
એક લાખથી વધુ શ્રમિકોને વતન પહોંચાડાયા
લોકડાઉનમાં વિવિધ પરવાનગીઓ, પશુઓને આહારસંહિતાની સુવિધા ઉપલબ્ધ કરાવી જિલ્લા વહિવટી તંત્રે જન સેવાનો મંત્ર સાર્થક કર્યો
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરાનાની મહામારીમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન લોકોને વિવિધ સુવિધા મળી રહે તે માટે ટીમવર્કથી કામગીરી કરવામાં આવી છે. રાજય સરકારના સંવેદનશીલ અભિગમને સાર્થક કરીને જિલ્લા તંત્રએ વિવિધ કામગીરી સુપેરે પાર પાડી છે.
કોરોના મહામારી સમયે આરોગ્ય વિભાગના માર્ગદર્શક સુચનો મુજબ લોકાડાઉનના અમલ દરમિયાન જરૂરીયાતમંદ લોકોને અનાજ અને શાકભાજી સહિતનો પુરવઠો મળી રહે તથા કોઇપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેની તકેદારી સંવેદનશીલ સરકારે રાખી હતી.
આ સમય દરમિયાન એનએફએસએ 2,50,025, નોન એનએફએસએ-18365, નોન એનએફએસએ એપીએલ-1-7,59,308, પીએમજીકેવાય-2,45,174 લાભાર્થીઓ ઉપરાંત ડીબીટી સહાય અને અન્નબ્રહ્મ યોજના અન્વયે અનેક લોકોને નિ:શૂલ્ક અનાજ પુરૂ પાડવામાં આવેલ હતું. આ ઉપરાંત રાજકોટ શહેર અને ગ્રામ્ય કક્ષાએ જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને શ્રમિકોને કુલ 57,51,789 જેટલા ફુડ પેકેટો અને 1,00,944 જેટલી રાશન કીટોનું વિતરણ સરકાર અને સમાજસેવી સંસ્થાઓ મારફત કરવામાં આવેલ હતુ.
રાજકોટ જિલ્લાની 166 જેટલી ગૌશાળાના પશુઓને પણ લોકડાઉનમાં આહાર મળી રહે તે માટે ગૌશાળા પાંજરાપેાળના બેંક ખાતામાં એપ્રિલ-2020માં રૂા. 1 કરોડ 68 લાખથી વધુ તેમજ મે-2020 માં રૂા. 1 કરોડ 73લાખથી વધુની રકમ સહાય પેટે જમા કરાવાઇ હતી. આમ મુંગા પશુઓની પણ દેખરેખ રાખી સરકારે સર્વજન હિતાય, સર્વજન સુખાય મંત્રને ચરિતાર્થ કર્યો હતો.
રાજય સરકાર દ્વારા રાજકોટ શહેર અને રાજકોટ બહાર રાજયભરમાં પરીવહન માટે અને આવશ્યક ચિજવસ્તુઓનો પરુવઠો જળવાઇ રહે તે માટે વિવિધ 31633 પરવાનગીઓ જિલ્લા વહિવટ તંત્ર દ્વારા અપાઇ હતી. વિશેષરૂપે ડોકટરો સહિત આરોગ્યસેવા સાથે સંકળાયેલા લોકોને સેવામાં વિક્ષેપ ન પડે તે માટે ખાસ પરવાનગી ઇશ્યુ કરાયેલ હતી.
લોકડાઉન દરમિયાન ખાસ બાવન જેટલી એસ.ટી. બસોની વ્યવસ્થા કરીને રસ્તે ચાલતા નીકળેલા શ્રમિકોને વતન પહોંચાડવામાં આવ્યા હતા. એટલું જ નહિં પણ 64 જેટલી ટ્રેનો મારફત કુલ 1 લાખથીવધુ શ્રમિકોને નિ:શુલ્ક તેમના માદરે વતન પરત મોકલાયા હતા. આ સમયે સમાજસેવી સંસ્થા દ્વારા આ તમામ શ્રમિકોને ફુડ પેકેટો, પાણી અને બાળકોને રમકડાં પણ વિનામૂલ્યે પુરા પાડવામાં આવ્યા હતા.