ન્યારી-1 ડેમ, રૈયાધારથી રિપેરીંગની કામગીરી હાથ ધરવાની હોવાથી રાજકોટવાસીઓ પર ફરી બે દિવસ પાણી કાપનો કોરડો વિઝાયો
હવે ચોમાસા સુધી પાણીકાપ નહીં મૂકાય તેવુ આયોજન કરીશુ તેવી નવનિયુકત પદાધિકારી ઓની ખાતરીનું એક જ સપ્તાહમાં બાષ્પીભવન
રાજકોટ વાસીઓ પર હવે ચોમાસાની સિઝન સુધી એક પણ દિવસ પાણી કાપ મૂકયો ન પડે તેવુ આયોજન કરવામાં આવશે તેવી ખાતરી ગત સપ્તાહે ખુરશી પર બેસતાની સાથે જ મહાપાલિકાના નવનિયુકત પદાધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. જો કે માત્ર એક જ સપ્તાહમાં આ ખાતરીનું બાષ્પીભવન થઇ ગયુ છે અને શહેરીજનો પર ફરી બે દિવસ પાણી કાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે. આવતી કાલે શનીવારે વોર્ડ નં.2 અને 3 જયારે રવિવારે વોર્ડ નં.8,11 અને 13માં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
મહાપાલિકાના ઇજનેરી સુત્રોના જણાવ્યાનુસાર વેસ્ટમેન અંતર્ગત ન્યારી-1થી રૈયાધાર આવતી એકસપ્રેસ ફીડર લાઇનમાં રિપેરિંગની કામગીરી હાથ ધરવાની હોવાથી આવતી કાલે તા.20ને શનિવારના રોજ રેલનગર તથા બજરંગ વાડી પમ્પીંગ સ્ટેશન આધારિત વોર્ડ નં.2 અને વોર્ડ નં.3ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે જયારે તા.21ને રવિવારના રોજ ચંદ્રેશનગર આધારિત વોર્ડ નં.8 (પાર્ટ) વોર્ડ નં.11 (પાર્ટ) અને વોર્ડ નં.13 (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.રાજકોટ વાસીઓના નસીબમાં કાયમી સુખ લખ્યુ નથી. શાસકો પણ નપાણીયા પુરવાર થઇ રહ્યા છે હજી તો ગત શુક્રવારે જ શાસકોએ એવી ખાતરી આપી હતી કે હવે, ચોમાસા સુધી પાણીકાપ મૂકયો નહીં પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ માત્ર શુભેચ્છા સ્વીકારવામાં વ્યસ્ત શાસકો પાસે રાજકોટ વાસીઓને પાણીકાપની ચૂંગાળમાંથી મૂકત કેમ કરાવવા તે વિચારવાનો સમય જ મળ્યો નથી. ઉનાળાનો તો હજી આરંભ જ થયો છે ત્યાં મહાપાલિકા દ્વારા પાણી કોર્પોત્સવ શરૂ કરી દેવામાં આવ્યો છે.