છ દિવસમાં હરાજીમાં 29 લાખ કિલોના વેચાણ સામે ટેકાના ભાવે માત્ર 1.76 લાખ કિલોનું વેચાણ
ખરીદી પધ્ધતિ અને નાણા ચૂકવણીનાં વિલંબના લીધે ખેડૂતોને ટેકાના ભાવને બદલે જાહેર હરાજીમાં ચણા વેંચવામાં રસ હોવાનું બહાર આવ્યું છે. છ દિવસમાં હરાજીમાં 29.09 લાખ કિલો વેચાણ સામે ટેકાના ભાવે માત્ર 1.76 લાખ કિલોનું વેચાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
મગફળીની જેમ ચણામાં પણ ખેડૂતોએ ટેકાના ભાવને મહદઅંશે જાકારો આપ્યો હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, 6 દિવસમાં જામનગર યાર્ડમાં 29,09,760, ટેકાના ભાવે 1,76,700 કીલો ચણાનું વેંચાણ થયું છે. યાર્ડમાં હરાજીમાં રેકર્ડબ્રેક ચણા આવતા આવક બંધ કરવી પડી છે.
ગત તા.8 માર્ચથી જામનગર જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે. 20 કીલો ચણાના ટેકાના ભાવ રૂ.1020 નકકી કરાયા છે. પરંતુ ટેકાના ભાવે ચણાના વેંચાણમાં ખેડૂતોને મહદઅંશે રસ ન હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણે કે, ચણાની ટેકાના ભાવે ખરીદીથી અત્યાર સુધીમાં એટલે કે છ દિવસમાં જામનગર યાર્ડમાં હરાજીમાં 2909760 કીલો જયારે ટેકાના ભાવે ફકત 176700 કીલો ચણાનું વેંચાણ થયું છે.
ટેકાના ભાવે ચણાના વેંચાણના નાણાં ખેડૂતના ખાતામાં કયારે જમા થશે તે અનિશ્ચિત હોય જેની સામે હરાજીમાં વેંચાણથી તુરંત રોકડા નાણાં મળતા હોય ખેડૂતો ટેકા પ્રત્યે અણગમો દાખવી રહ્યા છે.
યાર્ડમાં 46 ખેડૂતોના ચણાના સેમ્પલ રિજેકટ
જામનગર જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં અત્યાર સુધીમાં 2950 માંથી 46 ખેડૂતના ચણાના સેમ્પલ ટેકાના ભાવની ખરીદીમાં રીજેકટ થયા છે. જેમાં હાપા યાર્ડમાં 7, જોડિયામાં 3, કાલાવડમાં 11, જામજોઘપુર 21, લાલપુરના 4 સેમ્પલનો સમાવેશ થાય છે.
32524 ગુણી ચણાની ટેકાના ભાવે ખરીદી
જામનગર શહેરજિલ્લામાં 7 દિવસમાં હાપા માર્કેટ યાર્ડ, ધ્રોલ માર્કેટ યાર્ડ, જોડિયા માર્કેટ યાર્ડ, કાલાવડ માર્કેટ યાર્ડ, જામજોધપુર માર્કેટ યાર્ડ અને લાલપુર માર્કેટ યાર્ડમાં કુલ 2950 ખેડૂતોને પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ચણાના વેંચાણ માટે બોલાવામાં આવ્યા હતા. જેમાંથી 1,711 ખેડૂત આવતા 50 કીલોની એક એવી 32,524 ગુણી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.