એક તરફ કોરોનાનો ફટકો પડયો, બીજી તરફ વીજકંપનીના બાકી ઉઘરાણાએ ઉદ્યોગકારોની નીંદર હરામ કરી નાખી
રાજ્યમાં ઉદ્યોગો પાસેથી વીજ કંપનીઓનું રૂ. 1186 કરોડનું લેણું: મિલકત જપ્ત કરી પૈસા વસુલ કરવાના કંપનીઓના હવાતિયાં
રાજ્યના 6 હજાર ઔદ્યોગિક એકમો પાસેથી વીજ કંપનીઓનું 1186 કરોડ જેટલું લેણું બાકી નીકળે છે. કોરોનાએ ફટકો આપ્યા બાદ આ ઉદ્યોગો પડી ભાંગવાની હાલત છે. તેવામાં આ ઉદ્યોગો ઉપર બાકી વિજબીલનું ચક્કર ફરે છે. સરકાર ખરેખર જો ઉદ્યોગોને વેગ આપવામાં માનતી હોય તો આ ઉદ્યોગોના બિલ માટે કોઈ ખાસ કાર્યવાહી કરવી જોઈએ.
ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે આંકડાઓ રજૂ કર્યા હતા. જેમાં જણાવાયું હતું કે રાજ્યના 6 હજાર ઔધોગીક એકમોએ વીજ બિલ ચૂકવ્યું નથી અને આવા બાકી વિજ બીલની વસૂલાતનો આંક 1,186 કરોડને પાર પહોંચ્યો છે. શહેર મુજબ ઔધોગીક એકમોની જો વાત કરીએ તો, અમદાવાદના 297 એકમો પાસેથી 3,269 લાખ વસૂલવાના બાકી છે.જ્યારે સુરતના 1,081 એકમો પાસેથી 8,208 લાખ વસૂલવાના બાકી તો રાજકોટના 580 એકમો પાસેથી 5,233 લાખ વસૂલવાના બાકી અને વડોદરાના 292 એકમો પાસેથી 8,976 વસૂલવાના બાકી છે.
કોરોનાની મહામારીએ અનેક ઉદ્યોગોનું કાસળ કાઢી નાખ્યું છે. લોકડાઉન દરમિયાન ઉદ્યોગો ઠપ્પ રહેતા તેઓ કોઈ આવક કરી કરી શક્યા ન હતા. પરિણામે ઉદ્યોગો આર્થિક સંકટમાં મુકાયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે પણ ઉદ્યોગોને પુન:ધમધમતા કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પણ ઉદ્યોગો માથે જે સરકારી દેણું છે તે મૂદાને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. હાલ રાજ્યના 6 હજાર જેટલા ઉદ્યોગો પાસેથી વીજળી બીલના 1186 કરોડ બાકી છે. હાલ આ ઉદ્યોગોના વીજ કનેક્શન કટ કરી નાખવામાં આવ્યા છે. એટલે આ ઉદ્યોગો પોતાનું પ્રોડક્શન ચાલુ રાખી આવક મેળવીને વીજ કંપનીનું બાકી લેણું ભરપાઈ કરે તેવી શક્યતાઓ ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. આ ઉદ્યોગો ઉપર અત્યારે બાકી લેણાના વ્યાજનું ચક્કર ચડી રહ્યું છે. મોટાભાગના કેસ કોર્ટ સુધી પહોંચી ગયા છે અને વીજ કંપનીઓ ઉદ્યોગોની મિલકત જપ્તી કરી બાકી લેણું વસૂલવા માટે હવાતિયાં મારી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકાર એક તરફ ઉદ્યોગોને વેગ આપવા કમરકસી રહી છે. તો બીજી તરફ ઉદ્યોગોને આ પ્રકારની સમસ્યાઓ પણ નડતર રૂપ છે. સરકારે આ મામલે ત્વરીત પગલા લઈ દેણામાં સપડાયેલા ઉદ્યોગોને બચાવવા જોઈએ.
રાજકોટના 580 એકમોના વીજબિલના રૂ. 52.33 કરોડ બાકી
રાજકોટ શહેરમાં પીજીવીસીએલ દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં 580 જેટલા ઔદ્યોગિક એકમોના રૂ. 52.33 કરોડ બાકી છે. આ ઉદ્યોગો ઉપર વ્યાજનું ચક્કર ફરી રહ્યું છે. હાલ તો આ ઉદ્યોગોના બાકી બીલના કેસ કોર્ટ સુધી પણ પહોંચી ગયા છે. જ્યાં સુધી બાકી લેણા ભરપાઈ ન થાય ત્યાં સુધી આ એકમોને વીજ પૂરવઠો પણ પૂરો પાડવામાં આવશે નહિ.
બાકી લેણું ભરપાઈ ન થાય ત્યાં સુધી વીજળીની સપ્લાય બંધ રાખવાના નિયમ સામે રોષ
વીજ કંપનીઓ જ્યા સુધી ગ્રાહકનું બાકી બિલ ભરપાઈ ન થાય ત્યાં સુધી તેને વીજળી સપ્લાય કરતી નથી. નિયત સમયમાં બિલ ન ભરાય એટલે તેને નોટિસ પાઠવી દેવામાં આવે છે. ત્યારબાદ પણ બિલ ભરપાઈ ન થાય એટલે ગ્રહકનું કનેક્શન કટ કરી વિજ સપ્લાય બંધ કરી દેવામાં આવે છે. વીજ કંપનીઓના નિયમ સામે ઉદ્યોગકારોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ જો વીજ કંપની વીજ સપ્લાય ચાલુ રાખે તો ઉદ્યોગ તેનું કામ ચાલુ રાખીને બાકી રકમ ભરપાઈ કરી શકે.