જુનિયર એમબીબીએસ તબીબો માટે ગ્રામ્ય વિસ્તારની સેવા ફરજિયાત બનાવી હોવા છતાં તબીબો દંડ ભરી દે છે પણ ગામડામાં નોકરી કરવા તૈયાર નથી
દર્દીને વૈદ્ય વાલા… સમાજમાં તબીબોને ભગવાન સમાન દરજ્જો અને સન્માનીય વ્યવસાય તરીકે જોવામાં આવે છે. તબીબી વ્યવસાય માત્ર આર્થિક ઉપાર્જન જ નહીં પરંતુ સેવા ભાવનાને વરેલો વ્યવસાય છે. તેવા સંજોગોમાં હવે બદલાઈ રહેલા સમય અને આર્થિક પરિસ્થિતિમાં નવા તબીબોમાં ક્યાંકને ક્યાંક સેવાના બદલે આર્થિક વળતરની અપેક્ષાનું પ્રમાણ વધતું જતું હોય તેમ રાજ્યમાં બે વર્ષમાં સરકારી કોલેજોમાંથી એમબીબીએસ પાસ થયેલા જુનીયર તબીબો ગ્રામ્ય વિસ્તારમાં પોતાની ફરજિયાત ફરજ બજાવવાના બદલે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ પર હાજર ન રહેવાનું પ્રમાણ વધી રહ્યું છે. બે વર્ષમાં રાજ્યમાં 2269 તબીબોને એમબીબીએસની ડિગ્રી મળી અને ગ્રામ્ય વિસ્તારમાં મળેલી નિમણૂકોમાંથી માત્ર 373 તબીબો જ હાજર થયા અને 1761 ડોકટરો ફરજ પર હાજર ન થતાં બોન્ડની રકમ દેવાની જોગવાઈ કરવામાં આવી હતી. બોન્ડની રકમમાં પણ 12,8,50,000 ભરી દીધી પણ ગ્રામ્ય વિસ્તારોથી તબીબો દર રહ્યાં હતા.
એમબીબીએસ ડોકટરોને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ સોંપવાની જોગવાઈ કરવામાં આવી પરંતુ તેમની પાસે કામ લેવામાં આવતું નથી. જે તબીબો ગ્રામ્ય વિસ્તારઅને ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા નથી ત્યાં ગરીબોને નાછુટકે સેવા કરવાની ફરજ પડે છે.
રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોનું મહેકમ છે પરંતુ મોટાભાગની જગ્યાઓ ખાલી રહી છે. જિલ્લા હોસ્પિટલોમાં ફૂલટાઈમ સર્જન, પેથોલોજી, ઓર્થોપેડીક, રેડિયોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, સાયકો, ઈએનટી, ડેન્ટલ જેવા નિષ્ણાંતોની મોટાભાગની જગ્યાઓ ખાલી હોય છે.
સરકારે વિધાનસભામાં આપેલા ઉત્તરમાં ગ્રામ્ય વિસ્તારમાં તબીબો દંડ ભરવા તૈયાર છે પણ નોકરી કરવા તૈયાર નથી.
તબીબનો વ્યવસાય સેવા અને પવિત્ર વ્યવસાય માનવામાં આવે છે પરંતુ બદલાતા સમયમાં મોંઘા અભ્યાસક્રમો અને ખર્ચ કરીને તૈયાર થતાં તબીબો ખાનગી પ્રેકટીસમાં અભ્યાસમાં ખર્ચાયેલા નાણા જલ્દીથી કવર કરવા માટે ગ્રામ્ય વિસ્તારની સેવા કરવાને બદલે ખાનગી પ્રેક્ટિસમાં વધારે મન પરોવે છે.
તબીબ સમુદાયમાં સેવાનો ભાવ હોવો જોઈએ તેમાં ક્યાંક વર્તમાન પરિસ્થિતિએ ખાંચ ઉભી કરી દીધી છે.
ગ્રામ્ય વિસ્તારમાં ફરજિયાત સેવાની જોગવાઈ છતાં પરિણામ મળતું નથી
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં નિષ્ણાંત તબીબોની મોટી ખોટ પ્રવર્તી રહી છે. સરકારે નવા તબીબો માટે ગ્રામ્ય વિસ્તારની સેવા ફરજિયાત બનાવી છે. જે તબીબ આ સેવા કરવામાં કસર કરે તેમની પાસેથી બોન્ડની વસુલાત કરવામાં આવે છે. મોટાભાગના તબીબો ડિગ્રી મેળવ્યા બાદ ખાનગી ધોરણે પ્રેકટીસ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં ન જવું પડે તે માટે દંડરૂપી બોન્ડની રકમ ભરવા તૈયાર થઈ જાય છે પણ ગ્રામ્ય વિસ્તારની સેવાથી દૂર રહે છે. તબીબોની આ પધ્ધતિથી ગ્રામ્ય વિસ્તારમાં નિષ્ણાંત તબીબોની ખોટ ઉભી થાય છે અને પ્રજાને ઉંટવેદ્યાના સહારે જીવવુ પડે છે.