કાલે ર0મી માર્ચ – વિશ્વ ચકલી દિવસ: માનવજયોત ભુજના ચકલીઘર, કુંડા કચ્છના સીમાડા ઓળંગી સૌરાષ્ટ્ર, ગુજરાત તથા દેશ-વિદેશ સુધી પહોંચ્યા
આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાતુ જાય છે. ચકલીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. લુપ્ત થઇ ગયેલા હોલા, કાગડા, પોપટ, કાબર, ગીધ, સમડી, કબુતર પછી હવે મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે.
એક હતો ચકો એક હતી ચકી વાર્તા હવે ભૂંસાઇ રહી છે શહેરના બિલ્ડીગોના ગાઢ વિસ્તારોમાં ચકા-ચકી પોતાનું ઘરનું એડ્રેસ શોધતા-શોધતા એવા થાકી ગયા કે હવે તે એડ્રેસ વિનાના બની ગયા છે. આંગણામાં જ ચકલા-ચકલીઓનું ચીં… ચીં…. સાંભળવા મળતું હતું એ હવે લુપ્ત થઇ ગયું છે. નાનકડું એવું પ્રેમાળ પક્ષી શહેરની ભૂલ ભૂલામાણી વાળી ઉંચી ઇમારતો વચ્ચે એવું ગોટે ચડી ગયું કે હવે તે નાના બાળકોને જોવું પણ દુર્લભ બની ગયું છે. ગામડા અને શહેરોમાં મોટી સંખ્યામાં જોવા મળતું આ પક્ષી હવે લુપ્ત થઇ રહ્યું છે.
દોડા દોડી અને ભાગદોડ ભરી જીંદગીમાં અટવાઇ ચૂકેલ માનવી હવે ચકલીને શોધવા નીકળી પડયા છે. વર્ષોથી પર્યાવરણ પ્રેમીઓ, પક્ષી વિંદ્રો કહેતા હતા કે, લુપ્ત થતી ચકલીઓને બચાવો… પરંતુ આ શબ્દોને સાંભળવાની દરકાર માનવીને કયાં છે? માનવીના કાને મોબાઇલના ઇયન ફોન ભરાવેલા હોય છે.
છતાં ચકલી પ્રમેઓએ ર0મ માર્ચને વિશ્ર્વ ચકલી દિવસ તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે. ચકલીઓ માટે જાગૃતિની જરુરત છે. આ નાના પક્ષીને આપણે બચાવી શકતા નથી. કુદરતી વાતાવરણને નહીં ગણકારીએ તો ધીમે ધીમે આ કુદરતી વાતાવરણ નાશ પામી જશે.
કેટલીયે સંસ્થાઓ આ બાબતે ચિંતિત છે. ચકલીઓ અને અન્ય પક્ષીઓ માટે દરેક સોસાયટીઓમાં ચબૂતરો હોવા જરુરી છે જયાં પીવાના પાણી અને ચણ (દાણા) ની વ્યવસ્થા પણ હોય જેથી વધારેને વધારે પક્ષીઓ આવતા થાય.
ચકલીઓ ઘાસ-રૂના કે અન્ય તણખલા વિણીને માળો બનાવતી હોય છે. નાની કે મોટી જયાં સુરક્ષિત જગ્યા મળે ત્યાં ચકલીઓ માળો બાંધે છે. પહેલા માનવીના રહેણાંકના મકાનમાં ચકલીઓ વરા-વંજી વચ્ચે માળો બાંધી ઇંડા મૂકતી અને બચ્ચા ઉછેર કરતી. પણ હવે મકાનો છતવાળા થઇ જતાં ચકલીઓને માળો બાંધવાની જગ્યા રહી નથી. માનવજયોત સંસ્થાએ રુપકડા માટીના ચકલીઘર બનાવ્યા છે જે ચકલીઓ માટે સુરક્ષિત ઘર સાબિત થઇ ચૂકયું છે. મકાન ઉપર, છત ઉપર, વૃક્ષોમાં કયાં પણ તેને લટકાવી શકાય છે. ચકલીઓ શરુઆતમાં વિશ્ર્વાસ કરશે નહી. ધીમે ધીમે ચકલીઘરમાં આવ જાવ કરશે અને પછી ચકલીઘરમાં કલાત્મક માળુ બાંધશે, માનવજયોત સંસ્થા દ્વારા કચ્છના શહેરો અને ગામડાઓમાં ઠેર ઠેર આવા ચકલીઘરો મૂકાયા છે. જેની અંદર ચકલીઓ માળો બાંધે છે આવા ચકલીઘરો ચકલી જેવા નાનકડા પક્ષીઓ માટે ઘર સાબિત થઇ ચૂકયા છે.
માનવ જયોત સંસ્થા છેલ્લા 17 વર્ષથી ચકલીઘરો અને પાણીના કુંડા વિતરણ કરે છે. જેથી પર્યાવરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવી છે. પર્યાવરણ પ્રેમીઓ સાથે મોટી સંખ્યામાં લોકોએ પર્યાવરણ અને પક્ષીઓને બચાવવાની વાત સમજી છે.
અનેક આકર્ષક ચકલીઘરો બંગલાની કે ઘરોની શોભા વધારે છે એકાદ ચકલીઘર ઘરના આંગણામાં બાલ્કની કે છત ઉપર કે વૃક્ષો ઉપર લટકાવી દેવાથી ચકલી તેમાં ઇંડા મુકે છે અને તેમાં બચ્ચાં ઉછેર પણ કરે છે.
ભુજની માનવજયોત સંસ્થાના પ્રબોધ મુનવરના જણાવ્યા મુજબ દર વર્ષે આ દિશામાં માનવજયોત સંસ્થા સક્રિય બની કાર્ય કરી રહી છે. જે કાર્યને સફળતા મળી રહી છે. કચ્છનાં દરેક શહેરો ગામડાઓ આ કાર્યમાં જોડાયા છે. ઉનાળો આવતાં જ માટીના ચકલીઘર, પાણીના કુંડાની બહુ જ માંગ છે. અને પર્યાવરણ સાથે પક્ષીઓ બચાવવામાં લોકો પણ જોડાયા છે.
માનવજયોત સંસ્થા ભુજ દ્વારા દર ઉનાળાની ગરમીની શરુઆત થતાં જ કુંડા-ચકલીઘરનું વિતરણ શરુ કરી દેવામાં આવે છે લોકોને જરુરીયાત અને માંગને પહોંચી વળા અગાઉથી જ કુંડા ચકલીઘર તૈયાર કરાવીને રખાય છે. અનેક સંસ્થાઓ, યુવક મંડળો, મહિલા મંડળો કુંડા ઉપર સંસ્થા-મંડળનું નામ લખાવી પોતાના ગામની અંદર વિતરણ કરે છે. આમ આ જીવદયાની પ્રવૃતિ છેવાડાનાં ગામો સુધી પહોંચી છે. માનવ જયોત સંસ્થાએ શરુ કરેલી આ પ્રવૃતિમાં અનેક સંસ્થાઓ જોડાઇ છે.
અને હવે આ કુંડા અને ચકલી ઘર કચ્છના સીમાડા ઓળંગી સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઇ તથા દેશ વિદેશ સુધી પહોચ્યા છે. માનવજયોતના કુંડા ચકલી ઘર લંડન, આફ્રિકા, નૈરોબી જેવા વિદેશી શહેરોમાં પહોચ્યા છે.
કુંડાને સ્વચ્છ રાખી દરરોજ તાજુ પાણી નાખવા લોકોને અપીલ
માનવ જયોત સંસ્થા ભુજ દ્વારા આ કુંડ, ચકલી ઘર, ચણ થાળીઓ માટે કામ કરતા કુંભારભાઇઓ પાસેથી તૈયાર કરાવવામાં આવે છે. ભુજ મસ્કા, ગુંદીયારીના કુંભા ભાઇઓ આવા ચકલીઘર, કુઁડા, ચણા થાળી વિશાળ સંખ્યામાં બનાવી આપે છે. છેલ્લા 17 વર્ષથી પર્યાવરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવવાથી માટીના કુંડા, ચકલીઘર જેવી વસ્તુઓનું વેચાણ વધતાં અનેક માટીકામના કારીગરોને રોજીરોટી પણ મળે છે. આમ જીવદયાની પ્રવૃતિ માનવજયોત સંસ્થા સતત આગળ ધપાવી રહી છે. કુંડાને સ્વચ્છ રાખી દરરોજ તાજું પાણી નાખવા લોકોને અપીલ કરવામાં આવે છે.