કોરોનાને કારણે ફેલાયેલી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા તમામ દેશોની સરકાર, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસમાં જુટાયા છે જેના ભાગરૂપે ભારત સહિત વિશ્વના મોટા ભાગના તમામ દેશોમાં રસીકરણ ઝૂંબેશ શરૂ થઈ ગઈ છે. થોડા સમયના વિરામ બાદ કોરોના વાયરસે ફરી માથું ઉચકતાં કેસ વધી રહ્યા છે. એક બાજુ ધોરણ 10 અને 12ની પરીક્ષા નજીકમાં છે એવામાં એવામાં કોરોના ફરી ઝડપભેર વધતા વિદ્યાર્થીઓ પર જોખમ ઉભું થયું હતું. જેના કારણે રાજ્ય સરકારે આજરોજ મહત્વનો નિર્ણય લેતાં શાળાને ફરી તાળાં લાગી ગયા છે. 10મી એપ્રિલ સુધી રાજ્યના તમામ આઠ મહાનગરોમાં સ્કૂલ બંધ કરી દેવાનો મોટો નિર્ણય લીધો છે.
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે આવતીકાલથી આગામી ૧૦મી એપ્રિલ સુધી રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ, જામનગર અને ગાંધીનગર એમ તમામ આઠ મહાનગરોની પ્રાથમિક શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. તેમજ કોલેજ-યુનિવર્સિટી માટે આવતીકાલથી ૧૦મી એપ્રિલ સુધી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
રાજ્યના શિક્ષણમંત્રીની જાહેરાત બાદ વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે. એકમાં પણ કોરોનાનાં લક્ષણો જણાય તો અન્ય પણ સંક્રમણનો ભોગ બની શકે છે એવો ડર હવે વાલીઓમાં વધી રહ્યો હતો. સ્કૂલ ચાલુ થતાં શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા હતા, પરંતુ હાલમાં 30 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે, જ્યારે અન્ય ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે.બીજી તરફ, સ્કૂલોના સંચાલકો પણ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી સ્કૂલો બંધ રહે તેવી ઇચ્છા ધરાવતા હતાં.