ધોરાજી શહેરમાં પાણી સપ્લાય અંગે ઘણા લાંબા સમયથી તંત્રની બેદરકારીને કારણે શહેરને પારાવાર મુશ્કેલીનો સામાનો કરવો પડે છે. પાણીનો પુરેપુરો જથ્થો હોવા છતા અનઆવડત અને આયોજનની ખામી ને કારણે 5થી 7 દિવસે પાણી સપ્લાય થાય છે. જેના કારણે શહેરીજનો હેરાન પરેશાન છે.
પાણી સપ્લાય માટેની 6થી 7 મોટરો હોવા છતા આજે એક જ મોટર ચાલુ છે. બીજી મોટરો કયા કારણોસર બંધ છે તેની દરકાર કે કોઇ જવાબદારી પુર્વક આયોજન નથી. સ્પેરની મોટરો રાખેલ તે તમામ બંધ છે.
ફીલ્ટર પ્લાન્ટ ઘણા સમય થયા બંધ છે તેની રીપેરીંગની ચિંતા નથી શુદ્ધ પાણી ન મળવાને કારણે શહેરીજનોને મહામારીના સમયે આરોગ્ય સાથે ચેડા સમાન છે.
આખા શહેરમાં નવી પાઇપ લાઇન નાખેલ છે તે ચાલુ કરવા તંત્રને જરાય ચિંતા નથી. અમુક વિસ્તારને બાદ કરતા શહેરના તમામ વિસ્તારમાં 5થી 6 દિવસે પાણી મળે છે. તો આવો ભેદભાવ શા માટે?
સરકારના આયોજન મુજબ એક કે બે દિવસે ‘નલ સે જલ’ યોજના અંતર્ગત શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી સમયસર મળી રહે તેવા હેતુથી સમગ્ર રાજયમાં આ યોજના લાગુ કરવામાં આવેલ છે. છતા પણ ધોરાજી શહેરમાં પાણી વિતરણમાં ઘોર બેદરકારી જોવા મળે છે.
વધુમાં જણાવવાનું કે પાણી મનુષ્યનાં જીવન માટે અમુલ્ય જરૂરીયાત છે. પણ ધોરાજી નગરપાલિકા દ્વારા પાણી વિતરણની બાબતમાં તદ્દન નિષ્ફળ નિવડેલ છે. જે અંગે ધોરાજી શહેર ભાજપ દ્વારા શહેરીજનોને સમયસર શુધ્ધ પાણી મળી રહે તે માટે રજુઆત કરવામાં આવી છે.