વાહન વ્યવહાર મંત્રાલયે પરિપત્ર કર્યો જાહેર: ઓક્ટોબર માસથી થશે અમલીકરણ
આ વર્ષના ઓકટોબર માસથી 15 વર્ષ જૂના વાહનોના વેંચાણ પર 21 ગણી ફી ચૂકવવી પડશે તેવી જોગવાઈ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રાલયે એક પરિપત્ર જાહેર કરી સત્તાવાર રીતે જણાવ્યું છે કે, આ વર્ષના ઓકટોબર માસથી 15 વર્ષથી જૂના વાહનોનું વેંચાણ કરવું હોય તો નવા રજિસ્ટ્રેશન માટે અગાઉની રજિસ્ટ્રેશન ફી કરતા 21 ગણી સુધીની ફીની ચૂકવણી કરવી પડશે.
ટુ-વ્હીલર વાહનોની વાત કરવામાં આવે તો હાલ રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટે રૂા.300 ફી પેટે ચૂકવવી પડતી હતી પરંતુ ઓકટોબર માસથી આ ફીની રકમ રૂા.1000 થઈ જનાર છે. જ્યારે 15 વર્ષ જૂના બસ અથવા ટ્રકના ફિટનેશ સર્ટીફીકેટના રિન્યુ માટે 21 ગણી વધુ ફી એટલે કે રૂા.12500ની ચૂકવણી કરવી પડશે તેવું વાહન વ્યવહાર મંત્રાલયના પરિપત્રમાં જણાવાયું છે.
વાહન વ્યવહાર મંત્રાલયે એક સત્તાવાર પરિપત્ર જાહેર કરીને આવી જોગવાઈઓ કરી છે. આ પ્રકારની જોગવાઈઓ કરવા પાછળના ઉદેશની ચર્ચા કરવામાં આવે તો કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલીસીને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જૂના વાહનોને બને તેટલા વધુ સ્ક્રેપ કરી બને તેટલા વધુ વાહનો બજારમાં લાવવા માટે સ્ક્રેપ પોલીસી અમલમાં મુકવામાં આવી છે ત્યારે 15 વર્ષથી જૂના વાહનોના રજિસ્ટ્રેશના રિન્યુઅલ માટે ફીમાં તોતીંગ વધારો કરવામાં આવ્યો છે.
પરિપત્ર મુજબ રજિસ્ટ્રેશનમાં વિલંબ બદલ વાહન ધારકે રૂા.500 જેટલી પેનલ્ટી પ્રતિ માસના દરે ભરવી પડશે. જ્યારે કોમર્શીયલ વાહનોના ફીટનેશ સર્ટીફીકેટમાં વિલંબ બદલ રૂા.50 પ્રતિ દિવસના દરે પેનલ્ટી સ્વરૂપે ચૂકવવી પડશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. સરકારે પ્રદુષણ ફેલાવતા વાહનો પર રોક લગાવવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે. 10 થી 15 વર્ષના વાહનો મોટાભાગે પ્રદુષણ ફેલાવતા હોય તેવું સરકારનું માનવું છે. તેવા સંજોગમાં સમગ્ર દેશમાં નવા પરિપત્રનો અમલ ઓકટોબર માસથી કરવામાં આવનાર છે.
ગ્રાહક સુરક્ષા મંડળના અનિલ સુદના જણાવ્યાનુસાર પ્રદુષણ ફેલાવતા વાહનોને બજારમાંથી દૂર કરવા સરકાર નવી પોલીસી અમલમાં મુકી રહી છે તો આ નીતિ સમગ્ર દેશ માટે હોવી જોઈએ. સુદે જણાવ્યું હતું કે, આ નિર્ણય કરતા પૂર્વે સરકારે સુપ્રીમ કોર્ટ અને એનજીટીનો મત પણ લેવો જોઈએ જેથી ઉતાવળમાં કોઈ અનિચ્છનીય નિર્ણય અમલમાં ન મુકાય જાય. સરકારે આ નીતિ અમલમાં મુકતા પહેલા અન્ય ઈંધણ વિશે પણ યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે તેવું અનિલ સુદે જણાવ્યું હતું.