તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સંપન્ન થઈ છે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં નિયમોનો સરેઆમ ઉલાળિયો થતા હવે, જોખ્મ ઉભુ થયું છે. ચૂંટણી બાદ કોરોના સંકટ વધુ વધ્યું છે. ચૂંટણી પ્રચારમાં ફુડ પાર્ટી, જાહેર મેળાવળા, રેલીઓ વગેરેમાં માસ્ક અને સોશયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયાના ઘણા બનાવો સામે આવ્યા હતા. આજ કારણસર કોરોનાનો ‘પગ’ પ્રસર્યો છે. નિયમ પાલનનું ભાન ભૂલી ચૂંટણી પ્રચારમા ગળાડુબ થયેલા નેતાઓ કોરોના કેસ વધવા પાછળ કારણભૂત પરિબળ છે. સતાની લાલચમાં આંધળા થઈ ચૂંટણી પ્રચાર કરનારા નેતા-રાજકારણીઓ અને સામાન્ય લોકો તેમજ તંત્રને કોરોના હવે ભાન કરાવી રહ્યો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 700થી વધુ કેસ નોંધાયા છે.વધતા જતા કેસમા ગુજરાત ચોથા સ્થાને છે જે કોઈ ખતરાથી કમ નથી. છેલ્લા 24 કલાકમાં 890 કેસ નોંધાયા છે. આજ કારણસર રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં કફર્યું વધારી દેવાયું છે. આજથી 31 માર્ચ સુધી અમલી રહેશે. અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ગુજરાતમાં કેસનો કુલ આંકડો 4717 એ પહોચ્યો છે.અને અત્યાર સુધીમાં કુલ 4425 લોકોના મોત થઈ ચૂકયા છે.
દેશમાં કોરોનાનો ખતરો સૌથી વધુ મહારાષ્ટ્ર પર મંડરાઈ રહ્યો છે. કોરોનાનો રાફડો ફાટતા સ્થિતિ બેકાબૂ બની જઈ રહી છે. ગઈકાલે એક જ દિવસમાં નવા 17 હજાર કેસ નોંધાયા છે. જે દેશભરમાં સૌથી વધુ છે. દેશના કુલ 60 ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ સ્વિકાર્યું છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની વધુ એક લહેરની શરૂઆત થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 23,47,328 કેસ નોંધાયા છે. જેમાંથી 1,38,813 કેસ સક્રિય છે. અને સાજા થયેલા લોકોની સંખ્યા 21.54 લાખ છે. એમાં પણ સૌથી વધુ કેસ પૂના, નાગપુર અને મુંબઈમાં નોંધાયા છે. છ શહેરોમાં અગાઉથી જ લોકડાઉન અને રાત્રી કફર્યું લાદી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના કારણે ગુજરાત અને મધ્યપ્રદેશ, પંજાબમાં પણ કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં જાહેર મેળાવળા, સભા પણ પ્રતિબંધ લાદી દેવાયો છે.