નવી દિલ્હી: સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા અઠવાડિયામાં વિક્ષેપ દ્વારા થયેલા હોબાળો બાદ બીજા અઠવાડિયાના પ્રથમ દિવસે સરકારે સોમવારે લોકસભામાં પાંચ બીલ રજૂ કર્યા. આ બીલોમાં એક એવુ બિલ પણ શામેલ છે જે બાળકોને વધુ સારી સુરક્ષા પ્રદાન કરી શકે છે.
આ બિલમાં દિલ્હી સરકારના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (સંશોધન) બિલ, 2021નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર અધિનિયમ, 1991 માં સુધારો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ ગૃહમાં બિલ રજૂ કર્યું હતું.
ઉપરાંત કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957માં સુધારા માટે ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) સુધારણા બિલ, 2021 રજૂ કર્યું હતું.
કેબિનેટ મંત્રી સદાનંદ ગૌડાએ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એક્ટ, 1998 માં સુધારા માટે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (અમેન્ડમેન્ટ) બિલ, 2021 પણ રજૂ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બાળકોના વધુ સારા રક્ષણના હેતુથી જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સુરક્ષા) સુધારણા બિલ, 2015માં સંશોધન કરવા માટે જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સુરક્ષા) સુધારણા બિલ, 2021ને રજુ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી મનસુખ લાલ મંડાવિયાએ ભારતમાં નેવિગેશનના વિકાસ, જાળવણી અને સંચાલન માટે મેરીન એડ્સ ટૂ નેવિગેશન બિલ, 2021 રજૂ કર્યું હતું.