ટેકસ બ્રાંચને રૂ.340 કરોડનો ટાર્ગેટ અપાયો જેની સામે પગાર ખર્ચ 346 કરોડે આંબશે
જકાત નાબુદી બાદ કોર્પોેરેશનની પોતીકી કહી શકાય તેવી એકમાત્ર આવક હવે ટેકસની રહી છે. ચાલુ નાણાકિય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂા.260 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક કોઈપણ કાળે પૂર્ણ થાય તેવી દુર દુર સુધી શકયતાઓ દેખાતી નથી છતાં રીવાઈઝડ બજેટમાં ટેકસના ટાર્ગેટમાં એક રૂપિયાનો પણ ઘટાડો કરવામાં આવ્યો નથી તો બીજી તરફ વર્ષ 2021-22માં ટેકસ બ્રાંચને આસમાની 340 કરોડનો તોતીંગ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ટેકસનો ટાર્ગેટ 80 કરોડ રૂપિયા વધારવામાં આવ્યો હોવા છતાં તેમાંથી પગાર ખર્ચ પણ નિકળે તેમ નથી અને વિકાસ હવે સંપૂર્ણપણે ગ્રાન્ટ નિર્ભર હોય તેવો માહોલ બની ગયો છે.
ચાલુ નાણાકિય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂા.260 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. રીવાઈઝડ બજેટમાં અંદાજપત્રનું કદ 588 કરોડ ઘટયું છે પરંતુ ટેકસ બ્રાંચના ટાર્ગેટમાં એક ફડીયુ પણ ઓછું કરવામાં આવ્યું નથી. આટલું જ નહીં આગામી નાણાકિય વર્ષમાં ટેકસ બ્રાંચને અકલ્પનીય 340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જોકે ટેકસની આવકમાંથી પગાર ખર્ચ પણ નિકળે તેમ નથી કારણકે ટેકસ બ્રાંચને 340 કરોડનો જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તે પરિપૂર્ણ થઈ જાય તો પણ પગાર ચુકવવા માટે બીજા 6 કરોડની વ્યવસ્થા કરવી પડે તેમ છે. મહેકમ ખર્ચ રૂા.345.66 કરોડ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. ટેકસની આવક સામે પગાર ખર્ચ રાજાની કુંવરીની માફક સતત દર વર્ષે વધી રહ્યો છે. આવામાં હવે રાજકોટ શહેરનો વિકાસ મહાપાલિકા પોતિકી આવકથી કરી શકવામાં સંપૂર્ણપણે અસહમત છે અને વિકાસ હવે ગ્રાન્ટ આધારીત બની ગયો છે. જો રાજય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં મોડુ કરાઈ તો વિકાસ અટકી પડે તેમ છે. મહાપાલિકાને મહેસુલી ગ્રાન્ટ, વસ્તી ગણતરીની ગ્રાન્ટ, એજયુકેશનની ગ્રાન્ટ, વ્યવસાય વેરાની ગ્રાન્ટ, એજયુકેશન સેસની ગ્રાન્ટ, સ્વર્મિણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતની ગ્રાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની ગ્રાન્ટ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની ગ્રાન્ટ, 15મું નાણાપંચ અંતર્ગતની ગ્રાન્ટ, અમૃત યોજના અંતર્ગતની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ રહી છે જેના કારણે શહેરનો વિકાસ આગળ ધપી રહ્યો છે.
300 કરોડની જમીન વેચાશે 150 કરોડના મ્યુનિસિપલ બોન્ડ
ચાર્જેબલ એફએસઆઈ થકી રૂ.175 કરોડની આવક થવાનો અંદાજ
ચાલુ નાણાકિય વર્ષમાં મહાપાલિકા દ્વારા રૂા.200 કરોડની જમીન વેચવામાં આવનાર છે. દરમિયાન હવે પોતિકી આવકનો કોઈ સ્ત્રોત બચ્યો નથી ત્યારે જમીન વેચાણ દ્વારા મહાપાલિકા બે છેડા ભેગા કરી રહ્યું છે. આગામી નાણાકિય વર્ષમાં 300 કરોડની જમીન વેચવામાં આવશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે.
ચાલુ નાણાકિય વર્ષમાં કોરોનાના કારણે મહાપાલિકાની ટેકસની આવક પર વ્યાપક અસર જોવા મળી છે. આ ઉપરાંત ખર્ચાઓ પણ વઘ્યા છે. નાણાકિય વર્ષના અંતિમ દિવસોમાં ટેકસનો ટાર્ગેટ પુરો થાય તેવી સંભાવના દુર-દુર સુધી જણાતી નથી છતાં ટેકસનો ટાર્ગેટ ઘટાડવામાં આવ્યો નથી. અલગ-અલગ સ્થળોએ જમીન વેચવા માટે હાલ ઈ-ઓપ્શન થકી ઓફરો મંગાવવામાં આવી છે. આ વર્ષે મહાપાલિકા દ્વારા 200 કરોડની જમીન વેચાશે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે તો નવા નાણાકિય વર્ષ 2021-22માં જમીન વેચાણનો ટાર્ગેટ 300 કરોડ દર્શાવવામાં આવ્યો છે તો ચાર્જેબલ એફએસઆઈના વેચાણથી મહાપાલિકાને રૂા.175 કરોડની આવક થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. ચાલુ નાણાકિય વર્ષમાં આ લક્ષ્યાંક માત્ર 100 કરોડનો હતો જેની સામે હવે આવતા વર્ષે આ લક્ષ્યાંક 200 કરોડનો કરવામાં આવ્યો છે તો વાહન વેરાનો ટાર્ગેટ રૂા.17 કરોડ અને વ્યવસાય વેરાનો ટાર્ગેટ રૂા.30 કરોડ અંદાજવામાં આવ્યો છે. છેલ્લા સાતેક વર્ષથી મહાપાલિકા દ્વારા દર વર્ષે બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ પ્રસિઘ્ધ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવે છે પરંતુ મંજુરીના અભાવે અત્યાર સુધી મ્યુનિસિપલ બોન્ડ પ્રસિઘ્ધ કરી શકાયા નથી. હવે નવા નાણાકિય વર્ષના બજેટમાં પણ 150 કરોડના મ્યુનિસિપલ બોન્ડ પ્રસિઘ્ધ કરાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.