ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં ધારાસભ્યના પહેરવેશને લઇને હંગામો મચ્યો. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાં ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવતાં અધ્યક્ષે તેમને ટકોર કરીને ગૃહ બહાર જઇને પહેરવેશ બદલીને ગૃહમાં આવવાનો આદેશ કર્યો હતો. ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્યને ટકોર કરતાં કહ્યું કે, ગૃહનું સન્માન જળવાય તેવા વસ્ત્રો પહેરો. આ મામલે બોલાચાલી ઉગ્ર બનતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સાર્જન્ટ બોલાવી વિમલ ચુડાસમાને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતાં. થોડા દિવસ પહેલા પણ વિધાનસભા અધ્યક્ષે વિમલ ચુડાસમાને ટી-શર્ટ પહેરીને ગૃહમાં ન આવવા સૂચના આપી હતી.
ગૃહમાંથી બહાર મુદ્દે વિમલ ચુડાસમાએ કહ્યું કે, 2021ની સદીમાં ટી-શર્ટ પહેરવી તે ગુનો છે? હું મારા વિધાનસભા વિસ્તારમાં પણ ટી-શર્ટ જ પહેરુ છું. ભાજપના મંત્રીઓ ટી-શર્ટ પહેરે ત્યારે કોઈ એક્શન નથી લેવાતા. અન્ય મંત્રીઓ ટી-શર્ટ પહેરે ત્યારે તેને કેમ કોઈ ટકોર નથી કરાતી? મારી પાસે આ જ કપડા છે એટલે હું ટી-શર્ટ પહેરુ છું. નિયમો ગૃહના તમામ સભ્યો માટે એક સરખા હોવા જોઈએ. સવા ત્રણ વર્ષ સુધી હું ટી શર્ટ પહેરીને આવ્યો ત્યારે વાંધો ન આવ્યો. નહીં તો બધાને સરખા કપડા પહેરવાનો કાયદો પસાર કરો.