ગુજરાતનું ઐતિહાસિક સ્થળ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માદરે વતન એવું વડનગર એક બીજું સીમાચિહ્ન અને પ્રસિધ્ધિ મેળવવાની તૈયારીમાં છે. વડનગર કે જે આનર્તપુર, ચમત્કારપુર તરીકે ઓળખાય છે ત્યાં હવે, વધુ એક સ્થળનો વિકાસ કરી તેની કાયાપલટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના જન્મસ્થળમાં પર્યટકોને આકર્ષવા પ્રયત્ન કરાશે. જી. હા, હવે, મોદી જે શાળામાં ભણ્યા હતા તે શાળાને “પ્રેરણા કેન્દ્ર” બનાવવામાં આવશે.
વડનગરના મધ્યમાં દરબારગઢ વિસ્તારમાં આવેલી વર્નાક્યુલર સ્કૂલ, જ્યાં વડા પ્ધાને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, તે પ્રેરણાનું ઝરણું બનશે. આ માટે સરકારે ખાસ પ્રોજેકટ શરૂ કર્યો છે.આ પ્રોજેક્ટ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સંસ્કૃતિ મંત્રાલયના સેક્રેટરી રાઘવેન્દ્રસિંઘની આગેવાની હેઠળની ટીમે ગત 10 માર્ચે શાળાની મુલાકાત લીધી હતી. આ તકે રાઘવેન્દ્રસિંઘે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ)ની સાઈટ શર્મિષ્ઠા તળાવના કાંઠે સ્થિત પ્રાયોગિક સંગ્રહાલયની મુલાકાત પણ લીધી હતી. મહેસાણાના કલેક્ટર એચ.કે. પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, શાળાના સ્થળ પર પ્રેરણા કેન્દ્ર વિકસાવવાની યોજના છે, પરંતુ આ અંગે વિશેષ માહિતી ફક્ત સંસ્કૃતિ મંત્રાલય જ આપી શકશે. હાલ, સદી જૂની આ વર્નાક્યુલર શાળા જર્જરિત હાલતમાં છે. જેના કારણે વિદ્યાર્થીઓ માટે પણ બંધ છે. આ શાળા વડાપ્રધાન નરેન્દ્રમોદીના ઘરની નજીકમાં જ આવેલી છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ, આ સ્કૂલ માત્ર વડાપ્રધાન નરેન્દ્રમોદીના કેન્દ્ર સ્થાને જ નહીં પરંતુ આપણી આગામી યુવા પેઢીને પ્રેરણા મળે તે રીતે વિકશાવાશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ભારતીય પુરાતત્વ વિભાગની ટિમ અને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે અહીં વડનગરની મુલાકાત લઈ આ શાળાને મેમોરિયલ બનાવવા જરૂરી સૂચનો કર્યા હતા.