એનજીઓ પ્રથા નાબુદી અને પગાર વધારાની માંગ
રાજયના 92 હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાયા: જ્યાં સુધી માંગ નહિ સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું એલાન
એનજીઓ પ્રથાથી થતા અન્યાય અને ઓછા પગાર સહિતના મુદ્દે રાજ્યના 92 હજાર મધ્યાહ્નન ભોજન યોજનાના કર્મચારીઓએ સરકાર સામે આજે બાયો ચઢાવી એલાને જંગ છેડયો છે. આ કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. જેના પગલે સૌરાષ્ટ્રના 9683 મધ્યાન ભોજન કેન્દ્રો આજથી બંધ રહેવાના છે.
પડતર માંગણી સાથે આજથી રાજકોટના 3500 મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના કર્મચારીઓ સહિત સૌરાષ્ટ્રના 32000 કર્મચારીઓ બેમુદ્દતી હડતાલ ઉપર ઉતરી જતા સૌરાષ્ટ્રના 15 લાખ બાળકોને ભોજન મળવાનું બંધ થઈ જશે. રાજકોટમાં મધ્યાહન ભોજન યોજનાના 1100 જેટલા કેન્દ્ર આવેલા છે. તેમાં 36000 બાળકોને દૈનિક ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. આ 1100 કેન્દ્રમાં 3500થી વધુનો સ્ટાફ ફરજ બજાવે છે. આ કર્મચારીઓને લધુતમ વેતન નહી આપવામાં આવતા કર્મચારોઓની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ છે. આ માટે મંડળ દ્વારા વખતોવખત સરકારને રજુઆત કરવામાં આવી હતી અને એવી આશા હતી કે બજેટમાં સરકાર મધ્યાહ્નન ભોજન યોજનાના કર્મચારીઓને રાહત આપશે. પરતું કોઈ લાભ નહી મળતા આજથી કર્મચારીઓના સંગઠને ગાંધીનગરમાં બેમુદ્દતી હડતાલ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.
કર્મચારીઓએ ત્રણ પ્રશ્ન સરકાર સમક્ષ ઉકેલવાની માંગ ઉઠાવી છે.જેમાં વેતનમાં વધારો કરીને લઘુતમ વેતન આપવું, એનજીઓ પ્રથા નાબૂદ કરવી તેમજ નવા મેનુમાં જે નાસ્તાની જોગવાઈ છે તે નાસ્તા માટે અલગથી અનાજ અને પેશગી આપવી અથવા નાસ્તો રદ કરી જૂના મેનુ મુજબ એક ટાઈમ ભોજન કરવું. આ પ્રશ્નનો ઉકેલ લાવવા લડત ચલાવવા નકકી કરવામાં આવ્યું છે. આજથી ગાંધીનગરમાં ઉપવાસી છાવણી બનાવી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને રાજયના 17 જિલ્લાના અંદાજીત 2000 કર્મચારી ઉપવાસ આંદોલનમાં જોડાવાના છે.
મધ્યાહ્નન ભોજન યોજનાના કર્મચારીઓ સાથે થતા અન્યાયના વિરોધમાં ગાંધીનગર ખાતે આજે ઉપવાસ છાવણી ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપવાસમાં જોડાવા માટે સંગઠનના પ્રમુખ કિશોરભાઈ જોશી ગાંધીનગર જવા નીકળે તે પૂર્વે જ તેમની કાલાવડ તાલુકાના બાલંભડી ગામેથી પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. આ અંગે પ્રમુખ કિશોરભાઈ જોશીએ જણાવ્યું કે પોલીસ દ્વારા જ્યારે તેઓને છોડવામાં આવશે ત્યારે તેઓ ગાંધીનગર જવા રવાના થઈ જશે અને ઉપવાસ આંદોલન તો શરૂ કરશે જ. તેમ તેઓએ દ્રઢપણે જણાવ્યું હતું.
500થી લઈને 1600 સુધીના માસિક પગારમાં ઘર કેમ ચલાવવું? કર્મચારીઓની વેદના
ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહ્નન ભોજન યોજના કર્મચારી મંડળના પ્રમુખ કિશોરભાઈ જોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કર્મચારીઓની વેદના એ છે કે રૂ. 500થી લઈને રૂ. 1600 સુધીના માસિક પગારમાં ઘર ચલાવવું કેમ ? મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને માસિક વેતન પેટે માત્ર રૂ. 1600 આપવામાં આવે છે. રસોયાને 1થી 25 બાળકો માટે માસિક રૂ.500 અને 25થી વધુ બાળકો માટે રૂ. 1400 તેમજ હેલ્પરને 1થી 25 બાળકો માટે માસિક રૂ. 300, 25થી 100 બાળકો માટે માસિક રૂ. 500, 100થી વધુ બાળકો માટે રૂ. 1400 વેતન આપવામાં આવે છે. આ વેતનમાં એક ટંકનું ભોજન ઉપરાંત નાસ્તો કરવાનો હોય છે. આમ કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે.