હત્યા અને ચોરી સહિત 35 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત સામે જમીન કૌભાંડનો વધુ એક ગુનો નોંધાયો
ધોરાજીના સંઘાડીયા બજારમાં જાહેર માર્ગ પર શબીલનું પાકુ બાંધકામ કરી દુકાન બનાવી નગરપાલિકાની જમીન પર દબાણ કર્યા અંગેની ધોરાજીના કુખ્યાત શખ્સ સામે જિલ્લા કલેકટરમાં થયેલી અરજીના સંદર્ભે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી પોલીસે મહારાષ્ટ્રમાંથી ઝડપી લીધો છે.
સંઘાડીયા બજારમાં સૈફી સાઇકલવાળી ગલીમાં જાહેરમાં દબાણ કરી શબીલ બનાવ્યા બાદ તેમાં દુકાન શરૂ કરી જાહેર રસ્તા પર અડચણ ઉભુ કરીને અને અન્ય દુકાનદારોને પણ અડચણ કરતા સલીમ ઉર્ફે બાબર ઇસ્માઇલ મતવા નામના શખ્સ વિરૂધ્ધ બિલ્કીશબેન અમીનભાઇ પોઠીયાવાલાએ જિલ્લા કલેકટરમાં લેન્ડ ગ્રેબીંગ અંગેની અરજી આપી હતી.
લેન્ડ ગ્રેબીંગ અંગેની અરજીની જિલ્લા કલેકટરની કમિટી દ્વારા સમિક્ષા થતા સલીમ ઉર્ફે બાબરે શબીલ બનાવી તેમાં દુકાન બનાવ્યાનું બહાર આવ્યું હોવાથી તેના વિરૂધ્ધ નોટિસ કાઢવામાં આવી હતી આમ છતાં તે હાજર ન થઇ યોગ્ય સંતોષકારક ખુલ્લાસો ન કરતા નગરપાલિકા ટાઉન પ્લાનીંગ અધિકારી શૈલેષભાઇ મનસુખભાઇ ભલગામીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સલીમ ઉર્ફે બાબર સામે આ પહેલાં હત્યા, ચોરી અને મારામારી સહિત 35 જેટલા ગુના નોંધાયા છે. જેતપુર અને જામનગરના દારૂના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હોવાથી તેની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન તેની સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો હતો. સલીમ ઉર્ફે બાબર મહારાષ્ટ્રના નાલાસોપારા વિસ્તારમાં હોવાની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે.