મહિલાએ મોબાઇલમાં વાત કરી ફેન્ડશીપના બહાને સિકયુરિટી સંચાલકને ફસાવ્યો: મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાયો’તો
માધાપર ચોકડી નજીક ગુપ થ્રી સિક્યુરિટી એજન્સીના સંચાલકને મહિલા સહિત ચાર શખ્સોએ હનીટ્રેપમાં ફસાવી રૂા.2.50 લાખ પડાવવાનો કારસો રચી માર મારી અપહરણ કરી નાકરાવાડી તરફ લઇ ગયા બાદ પેટ્રોલ પંપ ખાતે ઉપસ્થિત સ્થાનિકની મદદથી બે શખ્સોને ઝડપી પોલીસ હવાલે કરતા બંને શખ્સોને પોલીસે બે દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતા બે માસ પહેલાં ભૂપગઢના શખ્સને હનીટ્રેપમાં ફસાવી રૂા.50 હજાર પડાવ્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ બિહારના વતની અને માધાપર ચોકડી પાસે અવધ રેસિડેન્સીમાં રહેતા ગ્રુપ થ્રી સિક્યુરિટી એજન્સી ચલાવતા રમણજી ચંદ્રેશ્ર્વરપ્રસાદ યાદવે મોરબી રોડ પર આવેલા ઓમ પાર્કના અનિલ હમીર સારેસા, અશ્ર્વીન, દિલીપ અને એક અજાણી મહિલા સામે અપહરણ કરી બળજબરીથી રૂા.2.50 લાખ પડાવવા માર માર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
રમણજી યાદવના મોબાઇલમાં એક અજાણી મહિલાનો કોલ આવ્યો હતો અને પોતે મનિષા બોલતી હોવાનું અને ફ્રેન્ડશીપ કરવા માટે કહેતા રમણજી યાદવે હા કહી માધાપર ચોકડી ખાતે મળવા માટે બોલાવી બાઇક પર મોરબી બાયપાસ તરફ જતા હતા ત્યારે અતિથિદેવોભવ નજીક મહિલાએ લઘુશંકા માટેનું બહાનું કરી બાઇક ઉભુ રખાવ્યું હતું તે દરમિયાન માધાપર ચોકડી તરફથી પીછો કરીને આવી રહેલા ત્રીપલ સ્વારી બાઇકમાં આવેલા શખ્સોએ અમારી બહેનને કયાં લઇ જઇ રહ્યો છો તેમ કહી ધમકાવ્યો હતો.
અશ્ર્વીન નામના શખ્સે મહિલા પોતાની બહેન હોવાનું કહી તેને બાઇક પર બેસાડી મુકવા જતો રહ્યો હતો અને અન્ય બે શખ્સોએ રમણજી યાદવના બંને મોબાઇલ લઇ બાઇક પાછળ બેસાડી નાકરાવાડી તરફ લઇ જઇ પોલીસને સોપી દેવો છે તેમ કહી માર માર્યો હતો. બધુ પતાવવાના બદલામાં રૂા.2.50 લાખની માગણી કરી હતી. આથી રમણજી યાદવે પોતાની પાસે આટલી મોટી રકમ પોતાની પાસે ન હોવાનું કહી પોતાના ક્રેડિટ કાર્ડમાં છે તે રકમ ઉપાડીને આપવાનું કહેતા તેને ગ્રીનલેન્ડ અને બેડી ચોકડી વચ્ચે આવેલા પેટ્રોલ પંપ ખાતે પૈસા ઉપાડવા આવ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોને રમણજી યાદવે પોતાને ફસાવ્યાની વાત કરતા સ્થાનિક લોકોએ અનિલ હમીર સારેસા અને દિલીપ નામના શખ્સોને ઝડપી પોલીસ હવાલે કર્યા હતા. ગાંધીગ્રામ પોલીસે ચારેય સામે હનીટ્રેપ અંગેનો ગુનો નોંધી પી.આઇ. કે.એ.વાળા અને પી.એસ.આઇ. જે.જી.રાણા સહિતના સ્ટાફે પૂછપરછ કરતા બે માસ પહેલાં આ રીતે જ ભૂપગઢના શખ્સને હનીટ્રેપમાં ફસાવી રૂા.50 હજાર પડાવ્યાની કબુલાત આપી છે.