સૌરાષ્ટ્રમાં એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવી જીઆઇડીસી, નવી વિમાની સેવાઓ આપવા બદલ આભાર માન્યો
રાજયસભાના સાંસદ બન્યા બાદ રામભાઇ મોકરીયાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથેની પ્રથમ મુલાકાત જૂના સંસ્મરણો અને નવા આયામો વચ્ચેની રહી.
એક સાંસદ અને વડાપ્રધાનનું મળવું એક સહજ બાબત છે, પરંતુ રામભાઇ અને મોદી વચ્ચે તો ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા પ્રોજેકટો અને વેપાર ઉદ્યોગ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સૌરાષ્ટ્રમાં એઇમ્સ, ઇન્ટરનેશન એરપોર્ટ, નવી જીઆઇડીસી, નવી વિમાની સેવાઓ, ગુજરાતમાં વિશ્ર્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આપવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યકત કર્યો હતો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને પડતી તકલીફો કેન્દ્ર સરકાર દ્વારા દૂર કરવામાં આવે અને નવા પ્રોજેકટ વહેલી તકે પૂર્ણ થાય એવી આશા વ્યકત કરવામાં આવી હતી. રામભાઇએ વડાપ્રધાનને સૌરાષ્ટ્ર આવવાનુ નિમંત્રણ પાઠવ્યું હતું. જેના જવાબમાં વડાપ્રધાનને કહ્યું હતુ કે કાઠિયાવાડ અને કાઠિયાવડીઓ તો મને હંમેશા વ્હાલા છે. આ પ્રસંગે રામભાઇ મોકરીયાએ ન્યુ ઇન્ડીયાની જેમ ન્યુ સૌરાષ્ટ્રનું પોતાનું વિઝન રજૂ કર્યુ હતું. અને પોતાના સાંસદકાળ દરમિયાન ન્યુ સૌરાષ્ટ્ર વિઝન માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વડાપ્રધાન સમક્ષ અભિવ્યકત કરી હતી.