50 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા: વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ પરીક્ષા આપી શકશે
રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં પરીક્ષા લેવાની તૈયારી થઈ રહી છે. સોમવારથી ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ થઈ રહી છે. કોરોના સંકટ વચ્ચે રાજ્યમાં પ્રથમવાર પ્રાથમિક સ્કૂલોમાં અંદાજે 50 લાખથી વધુ વિદ્યાર્થીઓની પ્રત્યેક્ષ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જેને લઈને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટેની તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે, સાથે જ જે વિદ્યાર્થી પરીક્ષા આપવા નહીં આવી શકે તેમને ઘરેબેઠા પ્રશ્નપત્રો તેમજ ઉત્તરવહી મળશે.
કોરોના મહામારીથી સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓને પડ્યું છે. સતત એક વર્ષ સુધી સ્કૂલ-કોલેજ બંધ રહેતાં અભ્યાસ પર મોટી અસર પડી છે. ઓનલાઈન અભ્યાસ ચાલુ હોવા છતાં વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપી શકતા ન હતા. ત્યારે હવે છેલ્લા કેટલાક મહિનાથી ધીરે-ધીરે સ્કૂલો તેમજ કોલેજો ફરી શરૂ થતાં વિદ્યાર્થીઓ ખુશ થયા છે. શહેરની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓમાં સ્કૂલે જવાનો ઉત્સાહ વધારે જોવા મળ્યો છે. હાલમાં ગ્રામીણ વિસ્તારની સ્કૂલોમાં 70 ટકાની આસપાસ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ છે. ત્યારે હવે 15 માર્ચથી પરીક્ષા શરૂ થતાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પણ તૈયારીમાં લાગી ગયા છે.
ધો.3થી 4ના વિદ્યાર્થીઓને પ્રશ્ર્નપત્રોમાં જ જવાબ લખવાના રહેશે
પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, 15થી 22 માર્ચ સુધી પ્રથમ સત્રની નિદાન કસોટી યોજાશે, જેમાં સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી એમ તમામ સ્કૂલોમાં પરીક્ષા લેવામાં આવશે, સાથે જે પણ વિદ્યાર્થી પરીક્ષામાં હાજર નહીં રહી શકે તેમને પ્રશ્નપત્રો તેમજ ઉત્તરવહી તેમના ઘરે પહોંચાડવામાં આવશે. ધોરણ 3થી 4ના વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રોમાં તેના જવાબ લખવાના રહેશે ત્યારે ધોરણ 5થી 8ને અલગથી ઉત્તરવહી આપવામાં આવશે.