જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આગામી ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે અને તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા જરૂર પડ્યે ટેન્કરથી પાણી વિતરણ કરવા પણ તંત્રે તૈયારી શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા માટે હેલ્પલાઈન નં.1916 સેવા કાર્યરત કરાઈ છે.
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં જયાં પીવાના પાણીની મુશ્કેલી ઉભી થાય તેવા ગ્રામજનોને માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ખાસ હેલ્પલાઇન ટોલ ફ્રી શરૂ કરવામાં આવી છે. જયાં કોઇ પણ ગ્રામજન પીવાના પાણીની સમસ્યા અંગેની ફરિયાદ નોંધાવી શકશે.
રાજય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જામનગર જિલ્લામાં આગામી ઉનાળાના સમયમાં ગ્રામજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે અને પીવાનું પાણી મળી રહે તેવુ આયોજન આગોતરૂ હાથ ધર્યુ છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના 6 તાલુકાઓ એટલે કે જામનગર, ધ્રોલ, જોડિયા, લાલપુર જામજોધપુર અને કાલાવડ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં જયાં પીવાના પાણીની સમસ્યા હોય ત્યાં પાણીનું પરિવહન કરવા માટે અને ગ્રામજનોને પીવાનું પાણી પુરૂ પાડવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખૂબ જ સારૂ ચોમાસાની સીઝન ગઇ હોય જેથી કરીને જિલ્લામા પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયોમાં પણ પાણી છે આમ છતા અનેક ગામડાઓમાં તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં સ્થાનિક પાણીના સોર્સ ઉનાળાના સમયમાં ડુકી જતા હોય છે. આમ પાણી ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું મળતુ નથી. આ સમસ્યાના ઉકેલ માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટે ટેન્કરો દ્વારા પાણીનું પરિવહન કરવામાં આવે છે. જિલ્લાના અનેક ગામડાઓમાં નર્મદા યોજના અને ડેમ આધારિત પાણી પુરવઠાની યોજના દ્વારા પાણી પાઇપ લાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે. આમ છતા બાકી રહી જતા ગામોના ગ્રામજનોને ઉનાળાની સીઝનમાં પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ ટેન્કરો કાર્યરત કરે છે અને પાણીના ટેન્કરો દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે હાલમાં ગુજરાત રાજય પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીના પરિવહન માટે ટેન્ડર પ્રક્રિયા અત્યારથી જ હાથ ધરી દેેવાઇ છે.