અત્યાર સુધીમાં કયારેય આટલી આવક થઇ નથી: ચેરમેન ગોપાલ શીંગાળા
મહાશિવરાત્રી અને અમાસની રજા વચ્ચે ખેડૂતો ઉમટ્યા: વાહનોની લાંબી લાઇનો: ચણા ઠાલવવા જગ્યા પણ ટૂંકી પડી
ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચા, ધાણા, ડુંગળી બાદ રેકોર્ડબ્રેક ચણાની બે 2 લાખ મણ આવક થવા પામી છે. અત્યાર સુધીમાં ગોંડલ યાર્ડમાં કયારેય આટલા જથ્થામાં ચણાની આવક થવા પામી નથી. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ચણાની અધધધ 2 લાખ મણ આવક થતા યાર્ડ ચણાથી છલોછલ થયું છે. ચાલુ વર્ષે ચણાનુ ખૂબ વાવેતર થતા પુષ્કળ ઉત્પાદન થવા પામ્યું છે.
જેને પગલે હાલ ચણાનો પાક તૈયાર થતા યાર્ડમાં ચણાની ભરપુર સીઝન ચાલી રહી છે. સૌરાષ્ટ્રના તમામ યાર્ડો ચણાથી ઉભરાઇ રહ્યા છે. ત્યારે ગોંડલ યાર્ડમાં તા.11ના રોજ ચણાની 2 લાખ મણ આવક થતા જગ્યા પણ ટુંકી પડી હતી.
યાર્ડમાં ચણાની આવક જાહેરાત કરાતાંની સાથે જ ચણા ભરેલા વાહનો સાથે ખેડૂતો ઉમટી પડ્યાં હતા. યાર્ડ બહાર પણ 4થી 5 કિલોમીટર વાહનોની કતાર લાગી હતી.
હાલ સરકાર દ્વારા પણ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઇ છે ત્યારે યાર્ડની આવકને જોતા ખેડૂતો ટેકાના ભાવ કરાતા ઓપન માર્કેટમાં જણસી વહેચવાનું પસંદ કરી રહ્યા છે.
સરકાર દ્વારા પ્રતિ કિવન્ટલ ચણાનો ટેકાનો ભાવ રૂ.5100 નકકી કરાયો છે જયારે ઓપન માર્કેટમાં ખેડૂતોને ચણાના 20 કિલોના રૂ.761થી 956 સુધીના ભાવો મળી રહ્યાં છે.
ટેકાના ભાવમાં ચણા વેચવાની જટીલ પ્રક્રિયા અને પેમેન્ટ પણ અમુક દિવસો બાદ મળતુ હોવાથી કદાચ ખેડૂતો ઓપન માર્કેટમાં ચણા ઠાલવી રહ્યા છે.
ગોંડલ યાર્ડમાં સુકા લાલ મરચાં, ધાણા, ડુંગળી બાદ ચણાની 2 લાખ મણની આવક થતા અત્યાર સુધીમાં કયારેય આટલી ચણાની આવક થઇ ન હોવાનું ચેરમેન ગોપાલભાઇ શીંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ જણાઇવ્યુ હતુ. અન્ય કારણમાં મહાશિવરાત્રી અને અમાસ બાદ રવિવારની રજા એમ ચાર દિવસમાંથી માત્ર એક દિવસ યાર્ડ ચાલુ રહેતુ હોય જેથી પણ પુષ્કળ આવક થવા પામી છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાની આવક આટલા વર્ષોમાં સૌ પ્રથમ વખત આવી હોવાની યાર્ડના ચેરમેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.