ભાજપ પાસે તોતીંગ બહુમતિ હોય દુભાયેલા નગરસેવકોએ પણ મુંગા રહેવામાં માન સમજ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા પ્રદેશ ભાજપ દ્વારા જે નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. તેનાથી પક્ષમાં અંદરખાને જબરદસ્ત નારાજગી વ્યાપી જવા પામી હતી. જો કે, જનાદેશ ભાજપ તરફી આવતા જે લોકો નારાજ હતા કે દુભાયેલા હતા તેઓ ફરી પાર્ટી લાઈનમાં ડાયા ડમરા નિશાળીયાની જેમ ગોઠવાઈ ગયા છે. કોઈ વિકલ્પ ન હોય કેસરીયો ખેસ પહેરી પક્ષનું કામ કરવાનું જ મુનાસીફ માની લીધું છે. બીજી તરફ આજે મહાપાલિકામાં મેયર સહિતના 5 હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે તેમાં સંપૂર્ણપણે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીનું જ પાનુ ચાલ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તેઓએ જે ધાર્યું તે કર્યું અને પોતાના માનીતાને ખુરશી પર બેસાડી દીધા છે. હાલ ભાજપ પાસે 2/3થી પણ વધુ બહુમતિ હોવાના કારણે નારાજ થયેલા અને દુભાયેલા નગરસેવકોએ પણ મૌન રહેવામાં જ માન સમજયું હતું.
મેયર પદે પ્રદિપ ડવની નિમણૂક થવાના કારણે કેટલાંક અપેક્ષીતના મોઢા પડી ગયા હતા પરંતુ શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોએ લાફા મારીને પણ ગાલ લાલ રાખવાનું મુનાસીફ સમજ્યું હતું. જે રીતે પાંચેય મુખ્ય પદાધિકારીની વરણી થઈ છે તેમાં એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે શહેર ભાજપ કમલેશ મિરાણીનું જ ધાર્યું થયું છે. તેઓએ મેયર પદે પોતાની ગુડબુકમાં રહેલા પ્રદિપ ડવને બેસાડ્યા છે. તો જીગરજાન મિત્ર એવા પુષ્કરભાઈ પટેલને અઢી વર્ષ બાદ ફરી સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનની પદાવર જવાબદારી સોંપવામાં આવી છે. વરણીમાં 2015નું જાણે પુનરાવર્તન થયું હોય તેવું લાગી રહ્યું છે. જે લોકોના નામ અગાઉ મેયર પદ માટે ચર્ચામાં હતા તેઓની અવગણના કરવામાં આવતા થોડા ઘણા અંશે નારાજગી પણ જોવા મળી હતી પરંતુ આ નારાજગી સ્પષ્ટપણે સામે આવી ન હતી. નવનિયુક્ત મેયર સહિતના તમામ પદાધિકારીને અભિનંદન આપી ચાલતી પકડી હતી. જે વ્યક્તિઓના નામ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે ચર્ચામાં હતું તે દેવાંગ માંકડને સમીતીમાં સભ્યપદ પણ આપવામાં આવ્યું નથી તો બીજી તરફ ડે.મેયર પદે દર્શિતાબેન શાહને ગત ટર્મ બાદ ફરીવાર જવાબદારી સોંપાતા અનેક સીનીયર નગરસેવિકાના ચહેરા પર નારાજગી જોવા મળતી હતી પરંતુ તે ખુલીને બહાર આવી ન હતી.