ઝોમેટો અને સ્વીગી દ્વારા નોનવેઝના ઓનલાઈન ઓર્ડર લેવાયા અને ડિલીવરી પણ કરાઈ: જીવદવાપ્રેમીઓમાં રોષ, ઉચ્ચ કક્ષાએ રજૂઆત
મહાશિવરાત્રીના પાવન અવસરે મહાપાલિકાની હદમાં આવેલા તમામ પ્રકારના કત્તલખાનાઓ બંધ રાખવા માટે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આજે કત્તલખાના બંધ રાખવાનું જાહેરનામુ તો અમલમાં છે સાથે સાથે માંસ, મટન, મચ્છી કે ચીકનના વેંચાણ કે સ્ટોરેજ કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. છતાં ઓનલાઈન નોનવેજનો વેપલો આજે ચાલુ રહેતા જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ભભુકી ઉઠી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.
મહાપાલિકા દ્વારા શ્રાવણ માસના ચાર સોમવાર, ગાંધી જયંતિ, પર્યુષણ પર્વ, મહાવીર જયંતી, રામનવમી અને મહાશિવરાત્રી સહિતના પાવન પર્વોમાં શહેરમાં કતલખાના બંધ રાખવા માટેનું સત્તાવાર જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવે છે પરંતુ ઓનલાઈન ફૂડ ડીલીવરી કરતા પ્લેટફોર્મ દ્વારા જાહેરનામાનો રીતસર ઉલાળ્યો કરવામાં આવે છે અને નોનવેજના ઓર્ડર લઈ તેની ડીલીવરી પણ કરવામાં આવે છે. આજે મહાશિવરાત્રીના પર્વ નિમિતે શહેરમાં કત્તલખાના બંધ રાખવા માટેનું જાહેરનામુ અમલમાં છે. સાથો સાથ માંસ, મટન, ચીકન કે મચ્છીના વેંચાણ પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. છતાં ઝોમેટો અને સ્વીગી જેવી ઓનલાઈન ફૂડ ડીલીવરી કરતી કંપનીઓ દ્વારા આજે સવારથી નોનવેજના ઓર્ડર લેવામાં આવી રહ્યાં છે અને શહેરના નામાંકીત નોનવેજ રેસ્ટોરન્ટ મારફત તેની ડીલીવરી પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની જાણ શહેરના જીવદયાપ્રેમીઓને થતાં તેઓએ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓનું આ અંગે ધ્યાન દોર્યું હતું. સાથો સાથ જીવદયાપ્રેમીએ એવો નિસાંસો નાખ્યો હતો કે, દર વખતે કત્તલખાના બંધ રાખવાના જાહેરનામાનો ઉલાળ્યો કરવામાં આવે છે અને નોનવેજનું ઓનલાઈન વેંચાણ ચાલુ હોય છે અમે દર વખતે કોર્પોરેશનન અધિકારીઓનું ધ્યાન દોરીએ છીએ પરંતુ તેઓ ક્યારેય ઓનલાઈન ફૂડ ડીલીવરી કરતી કંપની સામે કોઈ જ પગલા લેતી નથી. પરિણામે ધાર્મિક તહેવારોમાં પણ કત્તલખાના બંધ રાખવાનું જાહેરનામુ માત્રને માત્ર કાગળ પર જ રહે છે તેની ચુસ્તપણે અમલવારી ક્યારેય થતી નથી.