બપોરે 12:30 કલાકે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: કાર્યકારી અધ્યક્ષની નિમણૂક બાદ 12 સભ્યો કરશે ચેરમેનની નિયુક્તિ
રાજકોટ મહાનગર પાલિકામાં આવતીકાલે સવારે 11 કલાકે ખાસ બોર્ડ બેઠક મળનાર છે. જેમાં મેયર અને ડે.મેયરની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. બીપીએમસી એકટની નવી જોગવાઈ અનુસાર સભ્યોની નિમણૂંક કર્યાના દિવસે ચેરમેનની નિયુક્તિ કરી દેવાની રહે છે. આવામાં આવતીકાલે સવારે બોર્ડમાં 12 સભ્યોની નિમણૂંક બાદ ચેરમેનની વરણી માટે બપોરે 12:30 કલાકે સ્ટેન્ડિંગની બેઠક બોલાવવા માટેનો એજન્ડા પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યો છે.
ગત મહિને યોજાયેલી મહાપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શહેરના 18 વોર્ડની 72 બેઠકોમાંથી ભાજપ 68 બેઠકો જીતી પુન: સત્તારૂઢ થવા જઈ રહ્યું છે. મેયર અને ડે.મેયરની ચૂંટણી તથા સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની નિમણૂંક કરવા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આવતીકાલે સવારે 11 કલાકે ખાસ બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે.
જેમાં મેયર અને ડે.મેયરની વરણી કરવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યો નિમણૂંક કરાશે. પ્રદેશમાંથી જે નામો આવશે તેમાં સ્ટેન્ડિંગના જે 12 સભ્યોના નામ હશે જેમાં પ્રથમ જે નામ હશે તે ચેરમેન હોય છે. અગાઉ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન બોર્ડના બીજા દિવસે સત્તાવાર રીતે ચાર્જ સંભાળતા હતા. પરંતુ બીપીએસમી એકટમાં નવી જોગવાઈ કરવામાં આવી છે જેમાં સભ્યોની વરણીના દિવસે જ ચેરમેનની નિયુક્તિ કરી દેવામાં આવે છે. આવામાં કાલે સવારે બોર્ડમાં સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની નિમણૂંક કરાયા બાદ બપોરે 12:30 કલાકે સ્ટેન્ડિંગની બેઠક મળશે જેના માટેનો એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. જેમાં સૌપ્રથમ કોઈ એક સભ્યની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવશે. ત્યારબાદ કોઈ એક સભ્ય ચેરમેન પદ માટે જેનું નામ હાઈ કમાન્ડ માટે મોકલવામાં આવ્યું છે તેની દરખાસ્ત કરશે અને અન્ય સભ્યના ટેકા સાથે ચેરમેનની વિધિવત વરણી કરી દેવામાં આવશે.