કાલે વોર્ડ નં.1, 2, 8, 9 અને 10માં, શનિવારે વોર્ડ નં. 2, 3, 7, 8, 11, 13 અને 14માં પાણી કાપ: રવિવારે પણ પાંચ વોર્ડમાં પાણી વિતરણમાં રજા
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડકની વરણી કરવામાં આવનાર છે. નવા પદાધિકારીઓનું સ્વાગત પાણી કાપ સાથે કરવામાં આવશે. કાલથી સળંગ ત્રણ દિવસ શહેરના અલગ અલગ વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત મહાપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે.
છેલ્લા બે સપ્તાહથી પાણી કાપોત્સવ શરૂ થયો છે જેનો સીલસીલો સતત આગળ વધી રહ્યો છે. પદાધિકારીઓ ખુરશી પર બિરાજમાન થતાં જ તેઓ સામે સૌથી મોટો પડકાર રાજકોટવાસીઓને નિયમીત પાણી આપવાનો રહેશે.
કોર્પોરેશનની વોટર વર્કસ શાખાના એડિશ્નલ સિટી એન્જીનીયરની યાદીમાં જણાવ્યાનુસાર ગુજરાત વોટર ઈન્ફાસ્ટ્રકચર લીમીટેડ દ્વારા એનસી-32, એનસી-33 અને એનસી-34 યોજનાના સંપમાં સફાઈ અને અન્ય કામો સબબ સટડાઉન લેવામાં આવેલ હોવાના કારણે રાજકોટમાં જરૂરીયાત મુજબ પુરતા પ્રમાણમાં નર્મદાનું નીર મળશે નહીં જેના કારણે તા.12ને શુક્રવારના રોજ રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટહેઠળ આવતા વોર્ડ નં.1, 2 (પાર્ટ), 8 (પાર્ટ), 9 અને 10 (પાર્ટ)માં ગાંધીગ્રામ, રીંગ રોડ અને સોજીત્રાનગર હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત તા.13ને શનિવારના રોજ વોર્ડ નં. 8 (પાર્ટ), વોર્ડ નં.11(પાર્ટ), અને વોર્ડ નં.13 (પાર્ટ)માં મવડીના એવા વિસ્તારો કે જ્યાં બપોરે 12 વાગ્યા બાદ પાણી વિતરણ કરવામાં આવે છે અને ચંદ્રેશનગર પંમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં અને બજરંગવાડી અને રેલનગર હેઠળ આવતા વોર્ડ નં.3, 2 અને વોર્ડ નં.3ના વિસ્તાર જ્યારે જ્યુબીલી પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા કેનલ રોડ અને જંકશન સાઈટના વોર્ડ નં.2 (પાર્ટ), 3(પાર્ટ), 7 (પાર્ટ), અને 14(પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
રવિવારે પણ શહેરના પાંચ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રૈયા ફિલ્ટર પ્લાન્ટ હેઠળના વોર્ડ નં.1, વોર્ડ નં.2(પાર્ટ), વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં.9 અને વોર્ડ નં.10(પાર્ટ) કે જે ગાંધીગ્રામ અને 150 ફૂટ રીંગ અને સોજીત્રાનગર વિસ્તારમાં આવે છે ત્યાં પાણી વિતરણ બંધ રહેશે. ટૂંકમાં શહેરના રૈયા ફિલ્ટર પ્લાન્ટ હેઠળ આવતા અલગ અલગ પાંચ-પાંચ વોર્ડમાં હજારો લોકોએ ઉપરાંત ઉપર શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ પાણી કાપ ભોગવવો પડશે.
હજુ તો ઉનાળાનો આરંભ જ થયો છે ત્યાં મહાપાલિકા દ્વારા પાણી કાપોત્સવ શરૂ કરી દેવામાં આવ્યો છે.
અલગ અલગ બહાના તળે પાણી કાપના કોરડા વિંઝવામાં આવી રહ્યાં છે. મહાપાલિકાના અધિકારીઓને પણ દોડવુ હોય અને ઢાળ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. પાણીના ટાંકાની સફાઈ સહિતના અલગ અલગ બહાના હેઠળ પાણીકાપ જાહેર કરવામાં આવી રહ્યો છે તો હવે નર્મદાનું નીર પર્યાપ્ત માત્રામાં નહીં મળે તેવું જીડબલ્યુઆઈએલ દ્વારા જાહેર કરવામાં આવતાની સાથે જ કોર્પોરેશનની વોટર વર્કસ શાખા દ્વારા રાજકોટવાસીઓ પર ઉપરા-ઉપર ત્રણ દિવસ પાણી કાપ લાદી દેવામાં આવ્યો છે. હાલ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના નીર પણ ઠલવાઈ રહ્યાં છે છતાં રાજકોટવાસીઓના નસીબમાં જાણે પાણીનું સુખ લખાયું ન હોય તેવું લાગી રહ્યું છે. આવતીકાલે નવા પદાધિકારીઓ શાસનની ધુરા સંભાળતાની સાથે જ તેઓની સામે સૌથી મોટો પ્રશ્ર્ન ઉનાળાના દિવસોમાં રાજકોટવાસીઓને નળ વાટે દૈનિક 20 મીનીટ પીવાનું પાણી પૂરું પાડવાનો રહેશે.