રસ્તા પર યુવાનોને બાઈક પર સ્ટંટ કરતા તમે જાયા હશે.રસ્તા પર યુવાનો પોતાની બાઇક દ્વારા સ્ટન્ટ કરી રસ્તા પરથી જતા લોકોના જીવ જોખમ મૂકતા હોય છે. ત્યારે બારડોલીથી એક બાઈક સ્ટન્ટના વીડિયો બનાવવા માટે સુરતના ડુમસ રોડ પર આવીને સ્ટન્ટ કરતી યુવતીનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં છુટા હાથે બાઈક ચલાવવી અને માસ્ક નહીં પહેરવાને લઈને સુરત પોલીસે સંજના ઉર્ફે પ્રિન્સી પ્રસાદ નામની યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અટકાયત કરી છે. આ યુવતી સોશિયલ મીડિયામાં પોતાના સ્ટન્ટના વીડિયો અપલોડ કરતી હતી.
સંજના ઉર્ફે પ્રિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડીંગ કરવા બદલ એપેડમિક ડિસીઝ એક્ટ અને લોકોની જીંદગી ભયમાં મૂકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે. જોકે, યુવતીની પૂછપરછ દરમિયાન તે બારડોલીની રહેવાસી અને કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જણાવ્યું હતું.
સંજના ઉર્ફે પ્રિન્સીના સોશિયલ મીડિયા પર 3.27 લાખ ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર સંજનાએ પાંચથી છ આઇડી બનાવ્યા છે. જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે. આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતના બાઇક પર રાઇડીંગ કરતા વીડિયો, કાર ડ્રાઇવ સહિતના વીડિયો છે. આશ્ચર્યની બાબત એ છે કે સંજના વીડિયો ઉતારવા માટે છેક બારડોલીથી ડુમસ રોડ પર આવતી હતી.
યુવતીનો સ્ટન્ટ કરતો વીડિયો કોઇક શહેરીજને પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલાવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમને મળતા આ વીડિયો ઉમરા પોલીસને આપવામાં આવ્યો હતો. પોલીસે કેટીએમ બાઇકના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. માલિક મોહમદ બિલાલ રસુલભાઇ ઘાંચી હોવાનું સામે આવતા પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો. મોહમદ બિલાલે પોતાની બાઇક ડુમસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડીંગ માટે આપી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ યુવતીને શોધી કાઢી હતી.