કોરોનાને કારણે મહાપર્વની ઉજવણીમાં ઝાંખપ; અનેક મંદિરોમાં પૂજા-અભિષેકની મનાઈ
દેવાધિદેવ ભગવાન ભોલેનાથની જયંતિ (શિવરાત્રી)ની ઉજવણીને કોરોનાને લીધે થોડી ઝાંખય લાગી છે. અનેક મંદિરોમાં ભાવિકો માટે પુજા-અભિષેકની મનાઇ ફરમાવવામાં આવી છે. જેથી તે મંદિરમાં માત્ર દર્શન કરીને જ ભાવિકોએ સંતોષ માનવો પડ્યો છે. હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા આશરે 4 દાયકાથી મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન થાય છે.
જામનગરનો રાજવી પરિવાર શિવભકત હોવાથી જામનગર શહેર અને જિલ્લામાં અનેક શિવમંદિરોની સ્થાપના પણ કરાઇ હતી. જામનગરમાં આવેલા નાગેશ્ર્વર, સિધ્ધનાથ, ભીડ ભંજન વિગેરે નામાંકિત શિવમંદિરનું સંચાલન અને માલિકી આજે પણ રાજવી પરિવાર રચિત શ્રી જામ ધમાર્દા ટ્રસ્ટ હસ્તક થાય છે. આ મંદિરોમાં દરરોજ મોટી સંખ્યામાં શિવભકતો દર્શન કરવા જાય છે. શ્રાવણ માસમાં તેમજ શિવરાત્રી જેવા પર્વે આ મંદિરોમાં શિવભકતોનો મહાસાગર ઉમટી પડે છે. શહેરની મધ્યમાં આવેલ ભીડભંજન મહાદેવ મંદિરને શિવરાત્રી નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ મંદિરે દર વર્ષે શિવરાત્રીની શિવ શોભાયાત્રાનું સમાપન થાય છે.
જયારે પ્રસ્થાન સિધ્ધનાથ મહાદેવ મંદિરેથી થાય છે. સમાપન વખતે ભીડભંજન મંદિરે ખાસ આરતી પણ કરવામાં આવે છે. અહીં વિશેષ દર્શન યોજાશે. આ વખતે કોરોનાની સમસ્યાને લીધે તંત્ર ઇચ્છે છે કે લોકો સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝર જેવી બાબતોનું પાલન કરે. વળી લોકોમાં પણ હજુ જાહેર-ટોળામાં જવા બાબતે થોડો ડર જોવા મળે છે. જામ ધર્માદા ટ્રસ્ટ હેઠળના શિવમંદિરોમાં લોકડાઉન ખુલ્યા બાદ પણ ભાવિકો માટે પુજા-અભિષેક ઉપરાંત કોઇ પ્રસાદી કે ધુપ-દીપની મનાઇ છે. અન્ય અમુક મંદિરોમાં પણ પુજા-અભિષેકની મનાઇ કોરોનાને લીધે કરવામાં આવી છે. જો કે નાના અનેક મંદિરોમાં પુજા-અભિષેક, પાઠની છુટ છે તેથી અનેક લોકો ત્યાં જઇને સંતોષ માનશે. જયારે મોટા શિવાલયોમાં માત્ર દર્શન થઇ શકશે.
શ્રી માળી બ્રહ્મણ યજુર્વેદી મા.શાળા અંતર્ગત દુર્ગાવાહિની મહિલા મંડળ દ્વારા વંડાફળીમાં આવેલ જ્ઞાતિની વાડી ખાતે શિવરાત્રીની ઉજવણી કરાશે. સાંજે 4 થી 7 દરમ્યાન નાના ભુલકાઓ માટે વેશભૂષાનો કાર્યક્રમ યોજાશે. ભાંગનો પ્રસાદ કેતનાબેન દવે, પ્રસાદી વૈશાલીબેન ભટ્ટ, કોલ્ડ્રીંકસ પારૂલબેન દવે તરફથી તેમજ શરબતની સેવા રૂપલબેન દવે તરફથી કરાશે. ભુલકાઓને ગીફટ અપાશે. મહાફળાહારની વ્યવસ્થા સ્વ.શાંતિલાલ- સ્વ.પુષ્પાબેન દવે પરિવાર તરફથી કરાઇ છે તેમ જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઇ ભટ્ટની યાદીમાં જણાવાયું છે. ઇશ્ર્વર વિવાહનું પણ આયોજન કરાયું છે.
વિજરખી રોડ ઉપર આવેલ તપોવન ફાઉન્ડેશન સંચાલિત વૃધ્ધાશ્રમ ખાતે આવેલા શિવમંદિરે, હવન, મહાઆરતી- પ્રસાદ સહિતના કાર્યક્રમનું મહાશિવરાત્રી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે. તેમ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.
બ્રહ્મ સમાજ દ્વારા સરબત વિતરણ
જામનગર જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર કચ્છ) દ્વારા દર વર્ષેની જેમ મહાશીવરાત્રીના દિવસે શીવશોભા યાત્રા માં સરબત વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે સાંજે 4 વાગ્યે, નાગનાથ ગેઇટ પાસે આ માટેનો સ્ટોલ જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા ઉભો કરવામાં આવશે અને સરબત વિતરણ કરાશેે.
ભોલેશ્વર મહાદેવ મંદિરે ઉજવણી
દિગ્જામ વૃલનમીલ પાછળ આવેલ ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીની ઉજવણી થશે. સવારે 8 વાગ્યે અખંડ રામાયણનો પ્રારંભ થશે. સવારે 9 થી 11 દરમ્યાન હવન-આરતી યોજાશે. સવારે 11 થી બપોરના 2 વાગ્યા સુધી પ્રસાદ વિતરણ થશે. આ માટે સંચાલક શિવસાગરભાઇ શર્મા કમલાસીંગ રાજપુત, મહામંત્રી આદિત્યનારાયણ તિવારી તથા ખજાનચી અખંડપ્રતાપસિંહ વિગેરે જહેમત ઉઠાવે છે.