એક બિલિપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી ધાર, દયાલુ, રિઝ કે દેત હૈ ચંદ્રમૌલિ ફલ ચાર…
ગામે ગામ ભજન અને ભક્તિ સાથે દેવાધીદેવના પર્વના ઉજવણી : મહાપૂજા, મહા આરતી, અભિષેક સહિતના કાર્યક્રમો સાદાયપૂર્વક યોજાયા : શિવભક્તોમાં અનેરો ઉત્સાહ
સૌરાષ્ટ્રભરમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શિવાલયો વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ગામે ગામ શિવાલયોમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ગંગાજીની ધારાઓ જેમના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં લાંબા સર્પોની માળાઓ લટકી રહી છે અને જે શિવજી ડમરૂ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, એ શિવજી સહૂનું કલ્યાણ કરે એવી ભાવના સાથે આજે સૌરાષ્ટ્રભરના શિવાલયોમાં રૂદ્રીપાઠ, મહાઆરતી સહિતના ધર્માનુષ્ઠાન કરીને મહા શિવરાત્રિની ભવ્ય – દિવ્ય ઉજવણી કરવામાં આવી છે. મંદિરોમાં અનેરો શણગાર અને વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. ભગવાન ભોળાનાથની મહાપૂજા, મહાઆરતી કરવામાં આવી હતી.
આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય, મહાશિવરાત્રીની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી. મંદિરોમાં તમામ તકેદારી રાખવામાં આવી હતી. આ વખતે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા ન હતા.
સોમનાથમાં અલૌકિકતાની અનુભૂતિ : દાદાને વિશેષ શણગાર
આજે શિવરાત્રીના પાવન પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. આરતી સમયે દ્વાર ખૂલતાં જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારમાં નજરે ચડ્યાં હતાં. આ પ્રસંગે દાદાનો શણગાર જોવા દૂર-દૂરથી લોકો આવ્યાં હતાં.
હજારો ભાવિક ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે મંદિર પરિસરમાં પહોંચી ગયા હતાં. શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર શિવરાત્રી પર્વે સવારે 4 થી લઇને સતત 42 કલાક માટે ભક્તજનો માટે ખુલ્લું રહેશે.