આજે, શનિવારે અને સોમવારે એમ એંકાતરા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે: રાજકોટ જિલ્લાનો શનિવારે વારો
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનના નામો ફાઈનલ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સરકારી નિવાસ સ્થાને આજે, શનિવારે અને સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. કાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નહીં મળે જ્યારે રવિવારે પણ પાર્લામેન્ટરી બોર્ડમાં રજા રાખવામાં આવી છે.
રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીનું ગત 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું અને બીજી માર્ચના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે તમામ 31 જિલ્લા પંચાયતો, 81 માંથી 77 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતો પૈકી 208 તાલુકા પંચાયતમાં ભાજપની જીત થવા પામી છે. આવતા સપ્તાહે પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિના ચેરમેનની વરણી કરવા માટે વિકાસ કમિશનર કે જે તે જિલ્લાના કલેકટર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. ત્યારે પદાધિકારીઓના નામો ફાઈનલ કરવા માટે આજથી મુખ્યમંત્રી બંગલા ખાતે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં હોય કાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે નહીં. શનિવારે ચૂંટણી સમિતિની બેઠક મળશે. રવિવારે ફરી પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં રજા રાખવામાં આવી છે. જ્યારે સોમવારે ફરી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.
આગામી શનિવારે પાર્લામેન્ટરી બોર્ડમાં રાજકોટ જિલ્લાનો વારો છે. જેમાં જિલ્લા પંચાયત ઉપરાંત રાજકોટ જિલ્લાની 11 પૈકી 9 તાલુકા પંચાયત કે જ્યાં ભાજપ વિજેતા બન્યું છે અને ગોંડલ નગરપાલિકાના પદાધિકારીઓના નામો નક્કી કરવા માટે જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે ચર્ચા-વિચારણા કરશે. પંચાયત અને પાલિકાના પદાધિકારીઓ નક્કી કરવા માટે આજથી એંકાતરા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.