ભાવિકો વિના ભેંકાર ભાસતુ ભવનાથ

જૂનાગઢના ભવનાથના મેળાનો આજે ચોથો દિવસ છે, ત્યારે ગઇકાલથી જપ, તપ, આરાધના કરવા આવનાર સાધુઓની સંખ્યામાં વધારો થયો છે, અને ધુણા ધખાવી શિવની આરાધનામાં લાગી ચૂક્યા છે, બીજી બાજુ ક્યાંકને ક્યાંક સાધુ-સંતોની મિટિંગોનો દોર પણ ચાલુ રહેવા પામ્યો છે. તો ગઇકાલે ગૌરક્ષક આશ્રમમાં તથા ગોડળ અખાડા ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતોએ આ ભંડારાનો લાભ લીધો હતો.

ગત રાત્રિના ભવનાથ ક્ષેત્રમાં લોક ડાઉન હોય તેવું  ભવનાથ ભાસી રહ્યું હતું. અહીં  આ વર્ષે કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે સાધુ, સંતો માટે જ પરંપરા જળવાઈ રહે તે માટે મેળો યોજવાનું તંત્ર દ્વારા નકકી કરાયું છે ત્યારે  જૂનાગઢના સ્મશાન ખાતેથી અન્ય ભાવિક ભક્તજનોને આ મેળાનો લાભ લેવા માટે આવતા રોકી દેવામાં આવે છે, અને પ્રવેશ આપવામાં આવતો નથી. જેના કારણે ભવનાથ વિસ્તાર મેળાના રાજમાર્ગો અને ભવનાથ વિસ્તાર મેળાના સમયમાં સુમસામ ભાસી રહ્યો છે. બીજી બાજુ શિવરાત્રી નજીક આવી રહી છે તેમ-તેમ આ તીર્થ અને તપશ્ચર્યાના ક્ષેત્રમાં સાધુ-સંતો, તપસ્વીઓ, જોગીઓ, યોગીઓ મોટી સંખ્યામાં ભવનાથ તરફ આવી રહ્યા છે, જેમાંથી અમુક તપસ્વીઓએ પોતાના જપ, તપ અને આરાધનાની ધૂણો ધખાવી શરૂઆત કરી છે, તો અમુક સાધુ-સંતો અને મહંતો તથા દિગંબર સાધુ શિવરાત્રીની મધ્યરાત્રીએ યોજાતા શાહીસ્નાન માટે અહીં પધાર્યા હોવાનું મનાઈ રહ્યું છે.

અહીં દેશ વિદેશમાંથી આવતા સાધુ, સંતોને પણ કોરોના ટેસ્ટ કરાવવું ફરજીયાત કરવામાં આવ્યો છે, અને કોરોના ટેસ્ટ થયા બાદ જ ભવનાથ ક્ષેત્રમાં આવા સાધુ, સંતો સહિતના લોકોને પ્રવેશ આપવામાં આવે છે. આ સિવાય ભવનાથ વિસ્તારમાં રહેતા લોકોને પાસ ઈશ્યુ કરવામાં આવેલ છે અને ભવનાથ વિસ્તારમાં આવેલ મંદિરો અને જગ્યાના સંચાલકો અને સાધુ, સંતોના વાહનોને પાસ પરમીટ આપવાની વ્યવસ્થા જૂનાગઢ પોલીસ તરફથી કરવામાં આવી છે.

જિલ્લામાંના ભવનાથમાં આ વખતે અન્ય લોકોને પ્રવેશ આપવામાં આવ્યો નથી, જેને લઇને જિલ્લા બહારની પોલીસને આ મેળાના બંદોબસ્ત માટે ગોઠવવામાં આવેલ નથી. પરંતુ એક ડીવાયએસપી સહિત લગભગ 400 જેટલા પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને હોમ ગાર્ડ તથા જી.આર.ડી.ના જવાનોને આ મેળાની સુરક્ષા અને વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જેને લઇને ભવનાથ જતા રાજમાર્ગ અને ભવનાથ ક્ષેત્રમાં સંતોની સાથે પોલીસ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે અને અન્ય લોકો આ મેળાના વિસ્તારમાં ન હોવાથી ભવનાથ વિસ્તાર સુમસાન અને ભેકાર ભાસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.