જૂના વાહનોનો લગાવ, દાદાએ લીધેલી ગાડી પૌત્ર પણ સાચવે છે ત્યારે જૂની ગાડીની જગ્યાએ નવી ગાડી વસાવવા માટે કેશ ડિસ્કાઉન્ટની ખાસ ઓફર
‘મેરા દેશ બદલ રહા હૈ…’ હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં રસ્તા પર દોડતી ચકચકીત મોટરોમાં ક્યાંય એક પણ જૂની ગાડી દેખાતી હોતી નથી. જ્યારે ભારતની વસ્તુ પ્રેમની સંસ્કૃતિમાં હજુ જૂના મોડલની મોટરોને મોટેરાઓની યાદીમાં સાચવી રાખવામાં આવે છે. જો કે જૂની મોટર અને ‘વિન્ટેજીસ કાર’ના નિયમો અને સારસંભાળ અને સલામતીની એક આગવી જ ગાઈડ લાઈન પ્રવર્તી રહી છે પરંતુ હવે માર્ગ સલામતી અને ઓટો મોબાઈલ ક્ષેત્રે નવા યુગના આરંભની જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે જૂના વાહનો અંગેની નવી પોલીસીમાં હવે જૂના વાહનોને ભંગાર કરી નવા વાહનો વસાવવા તરફ દેશ આગળ વધી રહ્યો છે.
જૂના બાબા આદમ વખતના વાહનોથી વાયુ પ્રદુષણથી લઈ અકસ્માતનું જોખમ પેટ્રોલ-ડિઝલનો વ્યય જેવા ત્રિવિધ પરિમાણોને લઈ જૂના વાહનો અને ખાસ કરીને મોટરકાર ભંગાર કરી નવી મોટર વસાવનારને 5 ટકા જેટલું ખાસ ડિસ્કાઉન્ટ આપવાનો નિયમ અમલમાં આવી રહ્યો છે. ભારતીય સામાજીક રૂઢીમાં જૂની ચીજો અને ખાસ કરીને વાહનોમાં દાદાએ લીધેલી ગાડી પૌત્ર પણ સાચવીને ચલાવે છે. જૂના વાહનો જલ્દીથી વેંચવાનું મન થતું નથી તેવા સંજોગોમાં સરકાર જૂના વાહનોની જગ્યાએ લોકો નવા વાહનો વસાવતા થાય તે માટે ખાસ આયોજન અને યોજનાઓના અમલ માટે કવાયત કરી રહી છે.
સરકારની જૂના વાહનો ભાંગવાની નીતિથી ઓટો મોબાઈલ ઉદ્યોગને લાભ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે, જે લોકો જૂની મોટર ભંગારમાં આપીને નવી મોટર ખરીદી કરશે તેને વાહન વિક્રેતા દ્વારા 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સરકારની નવી વાહન ભંગારની નીતિમાં ઘરેલું વાહનોની 20 વર્ષ પછી અને કોમર્શીયલ વાહનોને 15 વર્ષ બાદ ફીટનેશ સર્ટીફીકેટ મેળવવાનું રહેશે. જૂના વાહનો ભંગાર કરી નવા વાહન ખરીદનારને વાહન ઉત્પાદકો 5 ટકા વળતર આપશે.
ભંગાર વાહન નીતિથી નવા વાહનોની વેંચાણ વૃદ્ધિ થશે. તેની સામે જૂના વાહનોને ગ્રીન ટેકસ અને વધારાના ટેકસ ચૂકવવા પડશે. ફિટનેશ ટેસ્ટ સેન્ટર જન ભાગીદારીના ધોરણે ઉભા કરવામાં આવશે. જૂના વાહનો માટે ફીટનેશ ટેસ્ટ આવશ્યક બનાવવામાં આવ્યા છે. નવી ભંગાર વાહન નીતિથી ઓટો મોબાઈલ ક્ષેત્રને વિકાસની નવી દિશા મળશે અને 30 ટકાથી વધુનું ટર્નઓવર થશે. ભારતમાં અત્યારે સાડા ચાર લાખ કરોડનો વાહન ઉદ્યોગ આ નવી પોલીસીથી 10 લાખ કરોડ સુધી પહોંચશે. સ્પેર પાર્ટસની નિકાસ 1.45 લાખ કરોડથી 3 લાખ કરોડ સુધી વધશે. તેની સામે નવા વાહનોના વપરાશથી પેટ્રોલ-ડિઝલના બગાડમાં કાબુ આવશે અને 8 લાખ કરોડ રૂપિયાનું ઈંધણ આયાતી બોજ ઘટશે. 2021-22ના બજેટમાં સરકારે આ નીતિનો અમલ કરતા 10,000 કરોડનું રોકાણ અને 50,000 નવી રોજગારી ઉભી થશે. સરકારે વાયુ પ્રદુષણ ઘટાડવા માટે સીએનજી, ઈથેનોલ અને એલપીજી જેવા વૈકલ્પીક ઈંધણ માટે પણ મંજૂરી આપી દીધી છે. 8 વર્ષ જૂના વાહનો પર ગ્રીન ટેકસ અને વાહનના 10 થી 25 ટકા લેખે ફીટનેશ સર્ટીફીકેટ લેવાનું રહેશે. સરકારની આ નીતિને લઈને નવા વાહનોની ખરીદી અને ઉત્પાદન વધતા ભારતનું ઓટો મોબાઈલ ક્ષેત્રે વૈશ્ર્વિક ક્ષેત્રે વિકાસ સાધશે.