હોળીમાં પદયાત્રિક સંઘોએ પણ દ્વારકા ન આવવા અપીલ કરાઇ

રાજયમાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યુ છે ત્યારે હોળીના તહેવાર દરમિયાન દ્વારકાના જગત મંદિર ખાતે આગામી 27થી 29 માર્ચ દરમિયાન યોજનારા ફૂલડોલ અને હોળી ઉત્સવમાં ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહી. હોળીના તહેવારમાં પદયાત્રીક સંઘોને પણ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે. દ્વારકામાં શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે આગામી 27,28,29 માર્ચના રોજ ફુલડોલ/હોળી ઉત્સવ ઉજવવામાં આવશે. આ ઉત્સવના દિવસો દરમિયાન રાજયભરમાંથી પદયાત્રિકો સંઘ લઇ દર્શને આવતાં હોય છે. આ ઉત્સવ દરમિયાન ચારથી પાંચ દિવસમાં અંદાજીત 2.50 લાખ યાત્રિકો અવર જવર કરે છે. જેના કારણે મંદિર તથા શહેરમાં સોશ્યિલ ડીસ્ટન્સ જાળવવામાં અડચણ થાય તેવી શકયતા છે અને કોરોના વાઇરસના સંક્રમણમાં વધારો થાય તેવી સંભાવના છે.

હોળી ઉત્સવના આ તહેવારો દરમિયાન ડાકોર, ભવનાથ મંદિર, જૂનાગઢમાં યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવા જાહેરાત કરેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લેતા દ્વારકાધીશ મંદિરમાં હોળી ફુલડોલ ઉત્સવમાં 27થી 29 માર્ચ, દરમિયાન પુજારીઓ, અગ્રણીઓ, તથા પોલીસ વિભાગ સાથે પરામર્શ કરતા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવા નકકી કરવામાં આવેલ છે. જેની સર્વે યાત્રિકોએ નોંધ લેવી તેમજ

દ્વારકા ખાતે આવતા પદયાત્રિક સંઘોને સંઘનું અયોજન ન કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. શ્રી દ્વારકાધીશ મંદિરની ઓફિશયલ વેબસાઇટ (www.dwarka dhis.org) ઉપર લાઇવ દર્શન સુવિધા ચાલુ છે. જેથી દરેક ભકતોએ લાઇવ દર્શનનો લાભ લેવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.