છેલ્લા ત્રણ મહિનાથી ગ્રાન્ટના નામે પગાર ચૂકવાયો ન હોય, ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા શહેરમાં તમામ પાંચેય કેન્દ્રો પર ર્માં અમૃતમ અને ર્માં વાત્સલ્ય કાર્ડની કામગીરી ઠપ્પ: ટોકન લેનારા અરજદારો રઝળી પડ્યા

શહેરમાં હાલ અલગ અલગ પાંચ આરોગ્ય કેન્દ્ર ખાતે રાજ્ય સરકારની યોજના અંતર્ગત માં અમૃતમ કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે. જેના ઓપરેટરોને છેલ્લા ત્રણ માસથી ગ્રાન્ટ આવી ન હોવાના બહેના તળે પગાર ચૂકવવામાં આવ્યો ન હોય આજે સવારથી ઓપરેટરો અનિશ્ર્ચિત મુદત સુધી હડતાલ પર ઉતરી જતાં દોડધામ મચી જવા પામી હતી. ઓપરેટર દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જે લોકોને માં કાર્ડ કાઢવાના ટોકન આપ્યા હતા તેને આજે આરોગ્ય કેન્દ્રએ ધરમના ધક્કા થયા હતા. ઓપરેટરોની હડતાળ ઝડપથી સમેટાય તે માટે તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે.

હાલ મહાપાલિકાની જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર, નંદનવન આરોગ્ય કેન્દ્ર, મીલપરામાં અખિલ હિંદ મહિલા પરિષદ, કબીરવન આરોગ્ય કેન્દ્ર અને ચંપકભાઈ વોરા ડિસ્પેન્સરી ખાતે માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડ કાઢી આપવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે સવારે આ પાંચેય કેન્દ્રો પર માં કાર્ડની કામગીરી કરતા ઓપરેટરો હડતાળ પર ઉતરી જતાં કામગીરી ઠપ્પ થવા પામી હતી.

વિજય સોલંકી, મનીષ ભટ્ટ, ચિરાગ સાવલીયા અને વિશાલ પરમાર નામના ઓપરેટરોએ જિલ્લા કલેકટરને આવેદન આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી વેતન વધારાની માંગ કરવામાં આવે છે છતાં માં અમૃતમ કાર્ડની કામગીરી કરતા ઓપરેટરોને નિયમોનુસાર વેતન ચૂકવવામાં આવતું નથી. અવાર-નવાર કોમ્પ્યુટર બંધ રહે છે અને તેના મેન્ટેનન્સનું મહેનતાણુ પણ આપવામાં આવતું નથી. છેલ્લા ત્રણ મહિનાથી ગ્રાન્ટ ન મળી હોવાનું બહાનું આગળ ધરી પગાર ચૂકવવામાં આવ્યો નથી. રાજકોટમાં માત્ર પાંચ આરોગ્ય કેન્દ્ર પર જ માં અમૃતમ કે વાત્સલ્ય કાર્ડની કામગીરી કરવામાં આવે છે જેનાથી લોકોને મુશ્કેલી પડે છે, કેન્દ્ર વધારવા અમારાદ વારા માંગણી કરવામાં આવી છતાં તેમને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ તમામ પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખી આજથી અમે અનિશ્ર્ચિત મુદત સુધી હડતાળ પર ઉતરી ગયા છીએ. જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ સમેટાશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.