વણી ગામથી વડગામ પરત ફરતા સર્જાયો અકસ્માત
સુરેન્દ્રનગર જીલ્લાના હાઈવે સહિત મુખ્ય માર્ગો 5ર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે વિરમગામ-માંડલ રોડ પર માલણપુર પીકઅપ સ્ટેન્ડ પાસે કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં શિક્ષક પતિ અને પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જે અંગેની જાણ થતાં પરિવારજનો સહિત લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને પોલીસને જાણ કરી વધુ તપાસ હાથધરી હતી.
પાટડી તાલુકાના વડગામ ખાતે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં અને વિરમગામ તાલુકાના ડુમાણા ગામે રહેતાં શિક્ષક વિક્રમભાઈ બાનુભાઈ જાદવ (ઉ.વ.34) ડુમાણાથી કારમાં વડગામ તરફ પત્ની હિરલબેન જાદવ (ઉ.વ.30) સાથે જઈ રહ્યાં હતાં તે દરમ્યાન મોડી રાત્રે વિરમગામ-માંડલ રોડ પર માલણપુર પીકઅપ સ્ટેન્ડ પાસે કાર પુરપાટ ઝડપે ચલાવતાં હોય સ્ટેરીંગનો કાબુ ગુમાવતાં કાર રોડની સાઈડમાં બાવળમાં ઉતરી જઈ ગરનાળા સાથે જોરથી અથડાઈ હતી. જેમાં કારમાં સવાર પતિ વિક્રમભાઈ જાદવ અને પત્નિ હિરલબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે અંગેની જાણ થતાં આસપાસના લોકો સહિત પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને બંન્ને ઈજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે વિરમગામ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં પરંતુ સારવાર મળે તે પહેલા જ ફરજ પરના ડોક્ટરે બંન્ને મૃત જાહેર કરતાં પરિવારજનો સહિત શિક્ષણ જગતમાં શોકની લગાણી ફેલાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શિક્ષક વિક્રમભાઈ જાદવ વડગામમાં વી.ડી.જાદવ તરીકે ઓળખાતા હતા અને તેઓનું મુળ ગામ વિરમગામ તાલુકાનું ડુમાણા ગામ છે અને વડગામમાં વર્ષ 2008થી ફરજ બજાવતાં હતાં તેમજ પરિવારમાં એક દિકરો હતો અને પોતાના સાસરીયે વણી ગામ ગયા હતાં અને ત્યાંથી પરત વડગામ તરફ આવતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. જ્યારે લોકોમુખે થતી ચર્ચા મુજબ અજાણ્યા વાહનચાલકે મોડીરાત્રે કારને ટક્કર મારતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી