મેયર, ડે.મેયરની ચૂંટણી અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિમણૂક કરવા 12મી માર્ચે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ નહીં પરંતુ રમેશભાઈ છાયા સભાગૃહમાં મળશે બોર્ડ બેઠક
રાજકોટ મહાનગરપાલિકામાં મેયર અને ડે.મેયરની ચૂંટણી તથા સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની નિમણૂંક કરવા માટે આગામી 12મી માર્ચના રોજ ખાસ બોર્ડ મળશે. સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે, જનરલ બોર્ડ હવે ખાસ બોર્ડ થયું છે અને તારીખ સાથે સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ માટે સચોટ કારણ તંત્ર પાસે નથી માત્ર ગોળ-ગોળ જવાબ આપવામાં આવી રહ્યાં છે. પણ એક વાત ફાયનલ છે કે આવતા શુક્રવારે રાજકોટને નવા મેયર મળી જશે.
શહેરના 18 વોર્ડની 72 બેઠકો માટે ચૂંટાયેલા નગરસેવકોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ ગઈકાલે સાંજે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા મેયર, ડે.મેયરની ચૂંટણી અને સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની નિમણૂંક કરવા માટે બોર્ડનો એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. પ્રથમ એવી જાહેરાત કરાય હતી કે, 11મી માર્ચના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે. જો કે આ દિવસે શિવરાત્રીની રજા હોવાના કારણે બોર્ડની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને 11 ને બદલે 12 માર્ચે જનરલ બોર્ડ બોલાવવામાં આવશે તેવી ઘોષણા પીઆરઓ મારફત કરવામાં આવી હતી. પરંતુ સંક્રેટરી વિભાગ દ્વારા બોર્ડના એજન્ડાની જે અખબારી જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે તેમાં મેયર, ડે.મેયરની ચૂંટણી અને સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની વરણી માટે 12મી માર્ચે જનરલ બોર્ડ નહીં પરંતુ ખાસ બોર્ડ મળશે. આટલું જ નહીં અગાઉ એવું જાહેર કરાયું હતું કે, બોર્ડ બેઠક કોરોના ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે મળશે પરંતુ સ્પેશિયલ બોર્ડ હવે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત સ્વ.રમેશભાઈ છાયા સભાગૃહ ખાતે બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જનરલ બોર્ડ ખાસ બોર્ડ કરી દેવાયું છે. આ ઉપરાત તારીખ અને બોર્ડના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે અધિકારી જણાવી રહ્યાં છે કે, બીપીએમસી એક્ટની જોગવાઈમાં એવો નિયમ નથી કે પ્રથમ બોર્ડ જનરલ રાખવું. પરંતુ એવો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૂંટાયેલી બોડી શક્ય તેટલી ઝડપી કાર્યરત થઈ જાય તે માટે વહેલુ બોર્ડ બોલાવવું જેને ધ્યાનમાં રાખી જનરલ બોર્ડને બદલે ખાસ બોર્ડ બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ બદલવાનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે, આમ તો રવિવારે પણ બોર્ડ બોલાવી શકાય પરંતુ 11મી માર્ચે શિવરાત્રીની રજા હોવાના કારણે બોર્ડ 12મી માર્ચે બોલાવવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે સ્થળ ફેરવવા પાછળ એવું તથ્ય રજૂ કરવામાં આવી રહ્યું છે કે, કોરોનાની ગાઈડ લાઈનમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. અગાઉ બે વ્યક્તિઓ વચ્ચે છ ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે જરૂરી હતું પરંતુ હવે ગાઈડ લાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પ્રમુખ સ્વામી ઓડિટોરીયમના બદલે સ્વ.રમેશભાઈ છાયા સભાગૃહ ખાતે બોર્ડ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 72 કોર્પોરેટર પૈકી ભાજપના જ 68 કોર્પોરેટરો છે. સભાગૃહમાં વિરોધ પક્ષને પ્રથમ હરોળમાં 4 ખુરશીઓ ફાળવી દેવામાં આવશે તેવું હાલ લાગી ર્હયું છે.