દર ત્રણ મહીને ‘મીશન મોડ’ની કામગીરીની થશે ચર્ચા: મુખ્યમંત્રી રૂપાણી સહિત ભાજપના મુખ્યપ્રધાનોએ આપી હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અઘ્યક્ષ અમિત શાહે ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રી તથા નાયર મુખ્યમંત્રી સાથે બેઠક યોજી ‘ન્યુ ઇન્ડિયા’નો રોડ મેપ ઘડવાની ચર્ચા કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામને મિશન મોડમાં કામગીરી કરવા આહવાન કર્યુ હતું. ભાજપશાસિત રાજય સરકારોની કામગીરીની સમીક્ષા દર ત્રણ મહીને કરવાનું નકકી કરાયું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની રાજકીય સ્થિતિ અને ચૂંટણીલક્ષી આયોજનો સંદર્ભે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સાથે અલગ અલગ બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકાર અને સંગઠનના મુદ્દે અમિતભાઇએ જાણકારી મેળવી હતી. આગામી સમયમાં વડાપ્રધાનના યોજાનારા કાર્યક્રમોની તૈયારીઓ, સંગઠનના ભારત જોડોના કાર્યક્રમો મુદ્દે ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસમાંથી છૂટા પડેલા ૧૦ ધારાસભ્યો ભાજપમાં પ્રવેશવાના છે એના માટે કાર્યક્રમોની તૈયારીઓ ચાલી રહી છે. જોકે, શંકરસિંહ વાઘેલાના સમર્થકો ત્રીજા પરિબળ માટે એમના પર દબાણ કરી રહ્યા છે આવી સ્થિતિ સર્જાય તો કેવી વ્યૂહરચના હોઇ શકે તેની પણ કેટલીક ચર્ચા થઇ હોવાનું જાણવા મળે છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, નાયબ મુખ્યપ્રધાનો, રાજ્યોના સિનિયર પ્રધાનોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં સોમવારે સાંજે બેઠક મળી હતી. બેઠકમાં હાજરી આપવા માટે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નવી દિલ્હી પહોંચ્યા હતા. વડાપ્રધાને નયા ભારત માટે ૨૦૨૨ સુધીના જાહેર કરેલા રોડ મેપ પ્રમાણે રાજ્યોને કેવી રીતે કામગીરી કરવી તેના પર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત રાજ્યોને એમની યોજનાઓમાં પણ કેન્દ્રનો પૂરતો સહયોગ આપવો, વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણ નાબૂદ કરવા, લોકપયોગી કામોમાં ઝડપ અને કેન્દ્રએ જાહેર કરેલી યોજનાઓનો વધુને વધુ લોકો સુધી લાભ પહોંચે તેના પર ભાર મુક્યો હતો. આ અગાઉ રૂપાણી અને પટેલે રાષ્ટ્રપતિભવન જઇ ૧૪મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી.