છેલ્લા એક મહિનામાં અંદાજે ૧૫ વાર વીજ ફોલ્ટ સર્જાયો : કોર્પોરેશન દ્વારા થતા આડેધડ ખોદકામને કારણે વાયર કટ થવાથી પણ અનેક વખત લાઈટ ગઈ
કોર્પોરેશને કરેલા ખોદકામને કારણે વીજ વાયર તુટયો
સોમનાથ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં ૧૫થી વધુ વાર વિજ ફોલ્ટ સર્જાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગત રોજ પણ આ ઘટનાનું પુનરાવર્તન થતા સ્થાનિકો અકળાય ઉઠયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અવારનવાર લાઈટ જવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ઉનાળાનો પગપેસારો શરૂ થયો છે. તેવામાં ગરમીમાં નાના બાળકો અને મોટી ઉંમરના લોકોને સૌથી વધુ તકલીફ સહન કરવી પડે છે. ગઈકાલે પણ લાઈટ ગુલ થઈ હતી. જેથી સ્થાનિકોમાં દેકારો મચી ગયો હતો. સ્થાનિકોએ પીજીવીસીએલ તંત્રમાં ફરિયાદ પણ કરી હતી અને એવું જાણવા મળ્યું હતું કે કોર્પોરેશન દ્વારા થતા આડેધડ ખોદકામમાં અનેક વખત વિજવાયર કટ થઈ જતા હોય તેના કારણે પણ વીજ ફોલ્ટ સર્જાય છે.
કાલે મેઇન્ટેનન્સની કામગીરી થશે, પછી કોઈ ફોલ્ટ નહિં રહે : ડે. ઈજનેર
ડેપ્યુટી એનજી. ધવલ ભટ્ટીએ જણાવ્યું કે સ્થાનિકો તરફથી વીજ ફોલ્ટ અંગેની ફરિયાદો મળી છે. જે નિવારવા માટે આવતીકાલે ૫૦ જેટલા સ્ટાફ સાથે મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. જેને કારણે હવે ગ્રાહકોને કોઈ ફરિયાદ નહિ રહે.