IPL શરૂ થયા બાદ ભારતમાંથી અનેક દિગ્ગજ ખેલાડીઓને તક મળી છે. આ તકનો તેઓએ ફાયદો ઉઠાવી ટીમ ઇન્ડિયા તરફથી રમવાનો મોકો મેળવ્યો હતો. આવો જ એક ખેલાડી દેવદત્ત પડીકલ છે. પડીકલને વિરાટ કોહલીની RCB ટીમમાં ઓપનર તરીકે સ્થાન મળ્યું હતું. પડીકલે આ તક ઝડપી પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સૌકોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જો કે હજુ સુધી તેઓને ટીમ ઇન્ડિયા તરફથી રમવાની તક મળી નથી. જો કે હવે ટૂંક સમયમાં તેઓ ભારતીય ટીમમાં સામેલ થાય તો નવાઇ નહીં કારણ કે તેઓએ હાલમાં જ વિજય હરારે ટ્રોફીમાં સદી ફટકારી છે.
દેવદત્ત પડીકલ 2021 વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. પડીકલે રેલવે સામેની એક મેચમાં અણનમ 145 રન કર્યા હતા. આ પહેલા પડીકલે બિહાર સામે 97 રન અને યુપી સામે 52 રન બનાવ્યા હતા. એટલું જ નહીં પડીકલે પોતાની છેલ્લી પાંચ મેચોમાં ત્રણ સદી અને બે અડધી સદી ફટકારી ટીમ ઇન્ડિયામાં સામેલ થવા માટે પ્રબળ દાવેદાવી નોંધાવી દીધી છે.
કર્ણાટક સામે પ્રથમ બેટિંગ કરતા રેલ્વેએ 50 ઓવરમાં 9 વિકેટે 284 રન બનાવ્યા હતા. આ પછી, બીજી ઇનિંગમાં, કર્ણાટકે 40.3 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 285 રન બનાવ્યા. ટીમ એ દસ વિકેટથી મેચ જીતી લીધી હતી. કર્ણાટકના બંને ઓપનર બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. દેવદત્ત પડિક્કલ આ મેચમાં 9 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી અણનમ 145 રન બનાવ્યા હતા. જ્યારે રવિકુમારે પણ 118 બોલમાં 17 ચોગ્ગાની મદદથી અણનમ 130 રન બનાવ્યા હતા. બંનેએ પહેલી વિકેટ માટે 285 રનની ભાગીદારી કરી પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.