બંને જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ મતદાનથી તંત્રને હાશકારો: કાલે ગણતરી
બંને જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતોમાં એકંદરે ૫૭ થી ૭૦ ટકા મતદાન
જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૬૪.૮૬ ટકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૬ ટકા મતદાન થયું હતું. બંને જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ૫૭ થી ૭૦ ટકા મતદાન નોંધાયું હતું.
હાલારમાં પંચાયતો અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ અંદાજીત ૬૫ ટકા મતદાન થયું છે. મતદારોએ ઉત્સાહભેર પવિત્ર ફરજ બજાવતા જામનગર જિલ્લા પંચાયતમાં ૬૪.૮૬ જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ૬૬ ટકા કુલ અંદાજીત મતદાન નોંધાયું છે. જયારે બંને જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંદાજીત ૫૭ થી ૭૦ ટકા મતદાન નોંધાયું છે. ત્યારે વધુ મતદાન કોને ફળશે તેના ગણિત મંડાવાના શરૂ થયા છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બનતા શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થતાં તંત્રએ રાહત અનુભવી છે. રાજયની સાથે હાલારમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. મતદાનનો ધીમી ગતિએ પ્રારંભ થયો હતો. પરંતુ બાદમાં બંને જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન કરવા મતદારો ઉમટી પડતા મતદાન મથકો બહાર લાંબી કતારો જોવા મળી હતી
સમય પસાર થતા મતદાને ગતિ પકડતા મતદાનમાં ઉતરોતર વધારો નોંધાયો હતો. જેના કારણે સાંજે ૬ વાગ્યા સુધીમાં જામનગર જિલ્લા પંચાયતમાં ૬૪.૮૬ ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૬ ટકા જેટલું અંદાજીત મતદાન નોંધાયું હતું. જયારે બંને જિલ્લાની જામનગર, ધ્રોલ, જોડિયા, લાલપુર, જામજોઘપુર, કાલાવડ, દ્વારકા, ખંભાળિયા, કલ્યાપણપુર અને ભાણવડ તાલુકા પંચાયતમાં ૫૭ થી ૭૦ ટકા અંદાજીત મતદાન નોંધાયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં જંગી મતદાન થતાં વધુ મતદાન કોને ફળશે તેના ગણીત મંડાવાના શરૂ થયા છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં કોરોના મહામારીને અનુલક્ષીને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી ટેમ્પરેચર ગન દ્વારા મતદાતાઓનું ટેમ્પરેચર ચેક કરી હાથ સેનેટાઇવઝ કર્યા બાદ ગ્લોવ્સ પહેરી મતદાન કરાવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા મતદાન મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત અને અલગ-અલગ ટીમો બનાવી ચાંપતી નજર રખાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણબંદરમાં સવારથી મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખાસ કરીને મહિલાઓ અને પુરૂષોની લાંબી લાઇનો લાગી હતી જે છેક સાંજ સુધી જોવા મળી હતી. રાજકીય પક્ષો પણ મતદાન કરાવવા માટે મતદારોને ઘરની બહાર લઇ આવવાની કવાયત કરતા જોવા મળ્યા હતાં, આ ધસારો કોને ફળશે તે મંગળવારે ખબર પડશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પહેલી વખત મતદાન કરતા યુવાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારથી તેઓ મતદાન મથકે પહોચી ગયા હતાં અને આંગણી પર મતદાનની સાહીનું નિશાન લગાવી ફોટા પાડીને સોશિયલ મિડિયામાં અપલોડ કરીને પોતાના મત અધિકારીનો પ્રથમવાર પ્રયોગ કરી ઉત્સાહ દેખાડયો હતો.
જિલ્લા પંચાયતની બેઠક પર ક્યાં-કેટલું મતદાન
બેઠક | મતદાન |
ભણગોર | ૬૯.૭૨ |
લાલપુર | ૬૪.૯૬ |
પીપરટોડા | ૭૨.૫૨ |
સીંગચ | ૭૨.૯૫ |
આમરા | ૬૫.૫૨ |
અલિયા | ૫૮.૫૧ |
બેડ | ૬૧.૫૯ |
ચેલા | ૬૭.૮૧ |
ધુંવાવ | ૬૫.૧૧ |
ધુતારપર | ૬૦.૧૭ |
ખીમરાણા | ૬૬.૫૨ |
મોરકંડા | ૬૯.૫૯ |
બેઠક | મતદાન |
ગીંગણી | ૬૪.૪૨ |
મોટીગોપ | ૭૨.૫૫ |
સતાપર | ૬૪.૧૩ |
શેઠવડાળા | ૬૫.૧૨ |
જોડિયા | ૬૨.૧૯ |
પીઠડ | ૬૧.૧૩ |
ખંઢેરા | ૫૨.૮૨ |
ખરેડી | ૬૦.૬૩ |
નવાગામ | ૫૬.૩૫ |
નિકાવા | ૬૨.૫૭ |
ખારવા | ૭૨.૮૯ |
લતીપુર | ૬૫.૫૧ |
ચેલા બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિએ ગોપનીયતાનો ભંગ કર્યો
ચેલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઝુલેખાબેન ખફિના પતિ કાસમ ખફિએ મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસને મત આપશે તેવું કહીને મતદાનની ગોપનીયતાનો ભંગ કર્યો હતો. પોતે પોતાના પરીવાર સાથે કોંગ્રેસને મત આપશે તેવું જાહેરમાં જણાવતા લોકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાય ગયું હતું. મતદાનની ગુપ્તતા લગભગ દરેક લોકો જાળવતા હોય છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારના પતિએ જાહેરમાં કબુલ કરતા ભારે ચર્ચા જાગી છે.
દ્વારકા જિલ્લામાં ૩૨ બેલેટ યુનિટ, ૩૩ કંટ્રોલ યુનિટ બદલવા પડયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે મતદાન દરમ્યાન ઇવીએમમાં ટેકનીકલ ક્ષતિ સર્જાતા ૩૨ બેલેટ યુનિટ અને ૩૩ ક્ધટ્રોલ યુનિટ બદલાવા પડયા હતાં. મશીનમાં ક્ષતિના કારણે મતદાન અટકી પડતા મતદારોમાં દેકારો બોલી ગયો હતો. જોકે, અંતે ઘીના ઠામમાં ઘી ઢળી ગયું હતું.
હાલારની ત્રણમાંથી જામરાવલ પાલિકામાં સૌથી વધુ મતદાન
હાલારમાં સિકકા, ખંભાળિયા, જામ-રાવલ નગરપાલિકાની સામાન્ય અને જામજોઘપુર અને સલાયા નગરપાલિકાની પેટાચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. જેમાં જામરાવલ નગરપાલિકામાં સૌથી વધુ ૭૦ ટકા જેટલું અંદાજીત મતદાન નોંધાયું હતું. જયારે સિકકા નગરપાલિકામાં ૬૫, ખંભાળિયા નગરપાલિકામાં ૬૦ ટકા જેટલું મતદાન થયું હતું. બીજી બાજુ જામજોઘપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં અંદાજે ૫૫.૫૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
દ્વારકા જિલ્લા પંચાયત, ખંભાળીયા તાલુકા, પંચાયત ભાજપ અને કોંગ્રેસ કસોકસ થશે
પક્ષ કરતાં આ વખતે જ્ઞાતિવાદ પરિબળ મહત્વનું બન્યું
ખંભાળીયા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાવાની શકયતા
ખંભાલીયા સહિત દેવભુમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં યોજાયેલઇ ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે ભારે સ્પર્ધા જામી હતી જેમાં સંભવિત દ્વારકા જિલ્લા પંચાયત તથા ખંભાળીયા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ કશ્મકશ બેઠક મેળવશે જયારે ખંભાળીયા નગરપાલિકામાં ભાજપ બહુમતિ મેળવી જશે.
જિલ્લા પંચાયતની ર૧ તાલુકા પંચાયત ર૩ તથા પાલિકાની ર૮ બેઠકો માટે યોજાયેલ ચુંટણીમાં જિલ્લા પંચાયતમાં ૬૬.૨૫ ટકા તથા ખંભાળીયા તાલુકા પંચાયતમાં ૬૫.૯૯ ટકા અને ખંભાળીયા પાલિકામાં ૬૦.૪ ટકા મતદાન થયું હતું.
તમામ પક્ષોના ઉમેદવારો માટે પક્ષના કાર્યકરો દ્વારા પુરી તાકાતથી દોડાદોડ કરવામાં આવવાથી મતદાનની ટકાવારીનો ગ્રાફ વઘ્યો હતો. રાજકિય પક્ષોનો સરેરાશ સમાજ પર ચોકકસ પ્રભાવ હોય છે પરંતુ આ વખત જ્ઞાતિવાદનું બળ ખુબ વઘ્યું હોવાથી જેને પક્ષના પ્રભાવમાં ઘટાડો થયો હતો.
મોટાભાગે મતદારો પક્ષથી વધારે જ્ઞાતિ મુજબ ઉમેદવારોને મત આપતા હતા પરિણામે ભાજપનો જે માહોલ જણાતો હતો તેમાં બહેતર આંતરિક જ્ઞાતિવાદ વધુ કામ કરી રહ્યો હતો. આ સ્થિતિમાં ખંભાળીયા પાલિકામાં કોઇપણ પક્ષની પુરેપુરી પેનલો આવવાની કોઇ સંભાવના નથી જ્ઞાતિવાદના કારણે પેતલો તુટવાની શકયતા નકારી શકાતી નથી.
ખંભાળીયા પાલિકાની ર૮ બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી તથા અપક્ષો મેદાનમાં હતા પરંતુ આઠ બેઠકોમાં ભાજપ સિવાયના તમામ પક્ષો બેઠકો મેળવી શકશે. જયારે ભાજપ ગત ટર્મમાં મેળવેલ ૧૯ બેઠકો જેટલી જ બેઠકો જાળવી શકે, ભાજપ દ્વારા રર થી ર૪ બેઠકો માટે જે દાવો કરવામાં આવ્યો છે તેવી શકયતા નથી આમ આદમી પાર્ટી તથા સમાજ વાદી પાર્ટીને ખાતુ ખોલવા બાબતે પણ પ્રશ્ર્ચાર્થ સર્જાઇ શકે છે.
ચૂઁટણી દરમિયાન ભાજપ સિવાયના અન્ય ઉમેદવારોને બુથ પરિસરમાં જવા દેવામાં આવતા ન હોવાથી પણ ફરીયાદ થઇ હતી. ધારાસભ્ય વિક્રમભાઇ માડમે મામલતદાર સમક્ષ રજુઆત કરી આ અન્યાય દૂર કરાવ્યો હતો.