રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો અને ૧૧ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે. જેના માટે ૩૦૦૦ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. સાંજે ચૂંટણી સ્ટાફ તમામ મતદાન મથકોનો કબજો સાંભળી લેવાનો છે. હાલ આ ચૂંટણીને લઈને તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે દોડાદોડી જોવા મળી રહી છે.
રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લાની ૧૧ તાલુકા પંચાયત તેમજ ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થનાર છે. જિલ્લા અને તાલુકામાં મતદાન મંડળ એક જ હોવાથી એક મતદાન મથકે જ બે મત કુટિર રાખવામાં આવશે. જેમાં વ્યક્તિ જિલ્લા પંચાયતના ઉમેદવારને મત આપ્યા બાદ તાલુકા પંચાયતના ઉમેદવારને મત આપશે આ કારણે દરેક બૂથ પરથી અલગ અલગ બે મતદાન અને બે પરિણામ નીકળશે. મતદાન માટે દરેક તાલુકા મથકે ઈવીએમ મશીનો પહોંચી ગયા છે અને સ્ટાફને ત્યાં જ તાલીમ આપી દેવાઈ છે.
મતદાન પૂર્ણ થયા બાદ બધા મશીનો નક્કી કરેલા સ્થળોએ પહોંચતા કરવામાં આવશે અને ત્યાં મતગણતરી થશે. રાજકોટ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની સીટ અને આખી તાલુકા પંચાયતની મત ગણતરી માધાપરમાં થશે જ્યારે લોધિકા, પડધરી અને કોટડાસાંગાણી આ ત્રણેય તાલુકાની ગણતરીઓ પડધરીની સરકારી કોલેજમાં રાખવામાં આવી છે એટલે એક સાથે ૩ તાલુકા અને જિલ્લા પંચાયતની સીટના પરિણામો જાહેર કરાશે.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની આવતીકાલે યોજાનાર ચૂંટણીને પગલે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં ૩ હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. રાજકોટ જિલ્લામાં ૬૮૦ બિલ્ડિંગના ૧૧૪૬ કેન્દ્રો પર મતદાન યોજાશે. આ ચુંટણીમાં ૧૦૮૨ પોલીસ જવાન, એસઆરપીની બે કંપની અને એક પ્લાટુન, એક કંપની સીઆઇએસએફની અને ૧૬૨૫ હોમગાર્ડ જીઆરડી સહિત ૩ હજાર જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્ર અને બુથની યાદી તૈયાર કરવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્ર પર વિડીયો શુટીંગ પણ કરાશે. જિલ્લાભરમાં ૨૪ કલાક પેટ્રોલીંગ રહેશે. તેવી પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.