ગોંડલ યાર્ડમાં ડુંગળીની અધધર ૨ લાખ કટ્ટાની આવક: સફેદ ડુંગળીના ૨૦ કિલોના માત્ર રૂ.૧૫૦થી ૨૦૦ સુધીના ભાવો
ડુંગળી ભરેલા વાહનોની યાર્ડ બહાર ૪થી ૫ કિમી લાઇનો લાગી
સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગમાં ડુંગળીની ભરપુર આવક થઇ રહી છે. રાજકોટ ઉપરાંત ગોંડલ, જામનગર, મહુવા સહિતના યાર્ડોના દરરોજ ડુંગળીના લાખ કટ્ટા ઠલવાઇ રહ્યા છે. ત્યારે ગઇકાલે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ૨ લાખ કટ્ટા જેવી ડુંગળીની આવક થતા યાર્ડ ડુંગળીથી છલકાય ગયુ હતું. હાલ ગોંડલ યાર્ડમાં દિનપ્રતિ દિન ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થઇ રહી છે.
પુષ્કળ આવકને પગલે ડુંગળીના ભાવોમાં ૫૦% જેવો ઘટાડો થતા ગઇકાલે ગોંડલ યાર્ડમાં ખેડૂતોએ હરરાજી અટકાવી ઓછા ભાવો મળવા મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. હાલ સફેદ ડુંગળીના એક મણના રૂ.૧૫૦થી ૨૦૦ સુધીના ભાવો મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતા ગોંડલ માકેટીંગ યાર્ડમાં ડુંગળીની સાથોસાથ ધાણા, ચણા, જીરૂની પણ પુષ્કળ આવક થઇ રહી છે. તાજેતરમાં જ ગોંડલ માકેટીંગ યાર્ડમાં ડુંગળી રાખવા માટેની જગ્યા ઓછી પડતા વધુ ૧૪ વિઘા જમીન ખરીદઇ છે. તેમાં છેલ્લા બે દિવસથી પુષ્કળ પ્રમાણમાં આવી રહેલી ડુંગળી ઠલવાઇ છે. ડુંગળીની અધધધ આવકને પગલે ભાવો ગગડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ગોંડલ માકેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થતા ખેડૂતો રોષે ભરાયા હતા.
ગોંડલ યાર્ડમાં સફેદ ડુંગળીની અંદાજિત ૨ લાખ કટ્ટાની આવકો થઇ છે. ડુંગળી ભરેલા વાહનોની યાર્ડ બહાર ૪થી ૫ કિમીના લાઇનો લાગી હતી. વ્યાપક પ્રમાણમાં આવક થતા ભાવ ઘટયાનુ ચર્ચાઇ રહ્યું છે.
બે દિવસમાં ડુંગળીના ભાવમાં ૫૦%નો ઘટાડો નોંધાયો છે. સફેદ ડુંગળીના ભાવ એક મણના રૂ.૧૫૦થી ૨૦૦ સુધીના મળી રહ્યા છે જયારે લાલ ડુંગળીના ભાવો પણ ખૂબ નીચા ગયા છે. ભાવો ઘટતા ખેડૂતો રોષે ભરાતા ગોંડલ યાર્ડમાં ડુંગળીની હરરાજી અટકાવી દીધી હતી.
ગોંડલ ઉપરાંત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ ડુંગળીની પુષ્કળ આવક થઇ રહી છે ડુંગળીની સાથો સાથ જ ધાણા, જીરૂ, ચણા, ઘઉંની પણ આવક થઇ રહી છે.
જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ચણા ૩૦૦૦ કવીન્ટલ, મગફળી જી-૨૦ ૧૫૦૦ કવીન્ટલ, બી.ટી. કપાસ ૨૪૦૦ કવીન્ટલ સહિત કુલ ૮૭૮૧ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક થયેલ છે તથા કુલ રૂપિયા ૫,૨૯,૩૬,૨૫૦ નું ટર્નઓવર થયું છે. જેના વિવિધ જણસના લધુત્તમ ૨૦ કીલોના રૂ.૧૮૦થી મહત્તમ રૂ.૨૭૮૦ ઉપજયા હોવાનું યાર્ડના સેક્રેટરી જણાવી રહ્યા છે.
ધાણાની ૧.૫૦ લાખ ગુણીની આવક
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં બે દિવસમાં ધાણાની અંદાજે ૧ લાખ ૫૦ હજાર ગુણીની આવક થઇ છે. ધાણાની અઢળક સાવકને પગલે હાલ ધાણા વેચાણ અર્થે લાવવા પ્રતિબંધ મુકી દેવાયો છે. આ ઉપરાંત હાલ ધાણાના ૨૦ કિલોના રૂ.૮૦૦થી ૧૭૫૧ તેમજ ધાણીના ૧૭૦૦થી ૨૯૦૦ સુધીના ભાવો ખેડૂતોને મળી રહ્યા છે. ખેડૂતો અધકચરા સુકા ધાણા યાર્ડમાં ઠાલવતા હોય જેથી તમામ ખેડૂતોને યોગ્ય સુકવીને ધાણા લાવવા ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપલભાઇ શીંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા દ્વારા અપીલ કરાઇ છે. જેથી પુરતા ભાવો મળી રહે.