મિકેનિકલ માઇન લેયર-સેલ્ફ પ્રોપેલ્ડ (MML SP)નું ઉત્પાદન કરશે
- લાઇસન્સ એગ્રીમેન્ટથી સરકારની આત્મનિર્ભર ભારતની ઝૂંબેશને વેગ મળશે
- આત્મનિર્ભરતા પર ભાર મૂકીને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને લશ્કરી દળોની ક્ષમતા વધશે
ગોદરેજ ગ્રપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોય્સે જાહેરાત કરી છે કે તેના બિઝનેસ ગોદરેજ પ્રિસિસન એન્જિનિયરીંગને મિકેનિકલ માઇન લેયર, સેલ્ફ પ્રોપેલ્ડ (MML – SP) માટે સંરક્ષણ મંત્રાલયની ડીઆરડીઓ લેબોરેટરીઝ પાસેથી લાઇસન્સિંગ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી (LAToT) મળ્યું છે. એરો ઇન્ડિયા 2021 ખાતે ‘બંધન’ સેરેમનીમાં આ સમજૂતિ થઈ હતી. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ત્રણેય સેનાઓના વડા, ડિફેન્સ આરએન્ડડી વિભાગના સેક્રેટરી અને ડીઆરડીઓ ચેરમેન ડો. જી સતીષ રેડ્ડી તથા ડિફેન્સ પ્રોડક્શન સેક્રેટરી રાજ કુમાર તથા સંરક્ષણ મંત્રાલય તેમજ કર્ણાટક સરકારના સિનિયર અધિકારીઓ અને સમગ્ર દેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
વિવિધ માટીની સ્થિતિમાં એન્ટી-ટેન્ક બાર માઇન્સ બિછાવવા, કેમોફ્લેજિંગ માટે અને તેની ચોક્કસ પોઝિશન રેકોર્ડ કરી શકાય તે રીતે MML-SP ને બનાવવામાં આવ્યા છે. ભારતની સરહદોના રક્ષણમાં તે મહત્વની ભૂમિકા ભજવશે. ગોદરેજ પ્રિસિસન એન્જિનિયરીંગ તેની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ, ક્વોલિટી કન્ટ્રોલ અને સિસ્ટમ ટેસ્ટિંગના કડક નિયમો અને સંરક્ષણ કામગીરી માટે ભારતમાં પ્રથમ વાર બનાવેલી અનેક પ્રોડક્ટ્સના દાયકાઓના અનુભવને પગલે આ પ્રોડક્ટ ઝડપથી બનાવીને લશ્કરમાં સામેલ કરી શકશે.
જાહેર જનતાને સંબોંધતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ‘બંધન’ એ જાહેર-ખાનગી ભાગીદારીની ભાવનાને ઉજાગર કરે છે. તેમણે ઉમેર્યું કે, કોઇ પણ ક્ષમતાનો સ્રોત તેના પાયામાંથી ઉદભવે છે અને અમારા વિઝનનો પાયો ત્રણ સ્તંભ પર ઊભો છે-રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પબ્લિક પ્રાઇવેટ ડિફેન્સ પ્રોડક્શન અને ડિફેન્સ એક્સપોર્ટ. તેમણે જણાવ્યું કે, ભારતમાં સંરક્ષણ સંબંધિત ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમે 2022 સુધીમાં સંરક્ષણ આયાતમાં કમ સે કમ બે અબજ ડોલરનો ઘટાડો કરીશું. તેમણે ભારપૂર્વક કહ્યું કે આયાતની નેગેટિવ લિસ્ટનો અર્થ એ પણ થાય કે અમે સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રને તેમનો પાયો મજબૂત કરવાની અને આત્મનિર્ભર ભારતમાં પ્રદાન કરવાની તક પૂરી પાડીએ છીએ.
ડીઆરડીઓ હેડક્વાર્ટર ખાતે સાયન્ટિસ્ટ G અને DIITM ડિરેક્ટર ડો. મયંક દ્વિવેદીએ જણાવ્યું કે, “ડીઆરડીઓના વિવિધ પ્રોગ્રામ્સ /પ્રોજેક્ટ્સમાં ગોદરેજ મહત્વની ઉદ્યોગ ભાગીદાર રહી છે. પ્રોગ્રામ્સ /પ્રોજેક્ટ્સમાં ગોદરેજના પ્રદાનની ડીઆરડીઓ કદર કરે છે. ડીઆરડીઓને વિશ્વાસ છે કે LAToT થી આપણા દેશની સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા મજબૂત થશે એટલું જ નહીં, પણ કેટલાંક દાયકાઓની ભાગીદારી પણ મજબૂત બનશે.”
ગોદરેજ એન્ડ બોય્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર (ઇન્ડસ્ટ્રીય પ્રોડક્ટ્સ ગ્રુપ) કૌસ્તુભ શુક્લાએ જણાવ્યું કે, “ત્રણ દાયકાથી વધુ સમયથી ડીઆરડીઓ સાથે ભાગીદારી કરતા અમે ગર્વ અનુભવીએ છીએ અને મહત્વપૂર્ણ સિસ્ટમના ઉત્પાદન માટે અમારામાં વિશ્વાસ મૂકવા બદલ સન્માનની લાગણી અનુભવીએ છીએ. અમે હંમેશા એવું માનતા આવ્યા છીએ કે અમારી અત્યાધુનિક ટેકનોલોજી અને આ ક્ષેત્રમાં દાયકાઓની નિપુણતાનો ઉપયોગ કરીને રાષ્ટ્રના સંરક્ષણ માટે પ્રદાન કરવું એ અમારી પ્રથમ અને પવિત્ર ફરજ છે. મિકેનિકલ માઇન લેયર- સેલ્ફ પ્રોપેલ્ડ માટેની LAToT તેમની સાથેની અમારી ભાગીદારીને વધુ મજબૂત કરશે અને અમે ‘આત્મનિર્ભર ભારત’ હાંસલ કરવા પ્રતિબધ્ધ છીએ.”
વર્ષોથી ગોદરેજ એન્ડ બોય્સે ડીઆરડીઓ સાથે વિવિધ પ્રોજેક્ટ્સ માટે સફળ ભાગીદારી કરી છે. ગોદરેજ પ્રિસિસન એન્જિનિયરીંગે બ્રહ્મોસ મિસાઇલ લોંચર્સ, મિસાઇલ કેરિયર્સ જેવી ડિફેન્સ લેન્ડ સિસ્ટમ્સ, ડાઇવિંગ અને સરફેસિંગ મિકેનિઝમ, Hull ઇક્વિપમેન્ટ, લાઇફ રાફટ કન્ટેનર ઇજેક્શન સિસ્ટમ્સ, સ્ટિયરીંગ ગિયર જેવી નેવેલ સિસ્ટમ માટેના ઓર્ડર સફળતાપૂર્વક અમલી બનાવ્યા છે.
ગોદરેજ એન્ડ બોય્સની વધુ એક કંપની ગોદરેજ એરોસ્પેસ ક્રિટિકલ સિસ્ટમ્સ વિક્સાવવા ડીઆરડીઓ સાથે નજીકથી કામ કરે છે. આ બિઝનેસને બે વાર ડિફેન્સ ટેકનોલોજી એબ્સોર્પ્શન એવોર્ડ મળ્યાનું ગૌરવ સાંપડ્યું છે. પહેલાં બ્રહ્મોસ એરફ્રેમ્સ માટે અને એલસીએની પાવર ટેકઓફ (PTO) શાફ્ટ્સ માટે એવોર્ડ મળ્યો હતો.
ડીઆરડીઓ સાથેનું જોડાણ સંરક્ષણ ઉત્પાદન પૂરતું સિમિત નથી. મહામારીના સમયમાં ગોદરેજે વેન્ટિલેટર્સ બનાવવા માટેનાં મહત્વના ઉપકરણ પ્રપોર્શનલ સોલેનોઇડ વાલ્વ્સનું ઉત્પાદન કરીને તે પહોંચાડ્યા હતા.