રાજ્ય છ મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. તમામ છ મહાનગર પાલિકામાં ભાજપનું શાસન રહેશે એ ફાઇનલ થઇ ગયું છે. આ વખતના પરિણામથી રાજકીય તજજ્ઞો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. જે જગ્યાએ કોંગ્રેસનો ગઢ હતો ત્યાં ભાજપે સત્તા મેળવી છે સાથે જ કોંગ્રેસના મોટાભાગના શહેર પ્રમુખની પણ કારમી હાર થઇ છે. અનેક પીઢ ઉમેદવારોને પણ આ વખતે હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે. પરંતુ બીજી બાજુ કોલેજ જવાની ઉંમરે પ્રથમવાર ચૂંટણી લડી રહેલા ઉમેદવારને જીત મળી જતા ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. આ વાત છે જામનગરના 23 વર્ષના બસપાના ઉમેદવાર રાહુલ રાયધનભાઈ બોરીચાની.
કોણ છે રાહુલ બોરીચા ?
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર રાહુલ રાયધનભાઇ બોરીચાને જીત મળી છે. જીત મળ્યા બાદ પાર્ટીમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ રાહુલ હજુ સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને તેની ઉંમર 23 વર્ષ છે. જામનગરના વોર્ડ નંબર 6ના મતદારોએ કોઇ જાણીતા કે પીઢ ઉમેદવારને બદલે એક નવયુવાન પર પોતાની પસંદગી ઉતારી છે.
ભાજપના ગઢમાં મેળવી જીત
ઉલ્લેખનીય છે કે જામનગર ચૂંટણીમાં છેલ્લા પાંચ ટર્મથી સત્તા પર રહેલા ભાજપે છઠ્ઠી વખત પણ વિજય પતાકા લહેરાવ્યો છે. એટલું જ નહીં ગત વર્ષ કરતાં આ વખતે 12 સીટોમાં વધારો થયો છે. જો કે છેલ્લા ત્રણ ટર્મથી ભાજપનો ગઢ ગણાતા વોર્ડ નંબર છમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ પરાજય કોઇ જાણીતા ચહેરા નહીં પરંતુ બસપાના યુવા ઉમેદવાર રાહુલ બોરીચાએ જીત મેળવી છે.